THARADVAV-THARAD

થરાદના પૂર્વ પટ્ટીના ખેડૂતોના હકના પાણી માટે કોંગ્રેસનું આવેદનપત્ર, માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

 

થરાદ, તા. 29 જૂન: રાજ્ય સરકાર દ્વારા પિયત માટે મોટી નહેરોમાં પાણી છોડવા અને સૌરાષ્ટ્રના તળાવો નર્મદાના નીરથી ભરવાના નિર્ણય વચ્ચે થરાદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારને પાણીથી વંચિત રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.

 

આવેદનપત્રમાં જણાવાયું છે કે પૂર્વ પટ્ટી વિસ્તાર માટે આશીર્વાદ સમાન સુજલામ સુફલામ કાચી નહેર આજે પણ સૂકી પડી છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો સિંચાઈ તથા પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમયસર પાણી નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને ઉભા પાકને નુકસાન થવાની સાથે પશુઓ માટે ઘાસચારા અને પાણીની પણ વિકટ સ્થિતિ સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

કોંગ્રેસે સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં 11 જૂનથી જ સુજલામ સુફલામ કાચી નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવાની તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારના તમામ ગામોના સ્થાનિક તળાવોને નર્મદાના પાણીથી તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી છે.

 

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોના હિતમાં ઉભો રહ્યો છે અને સરહદી વિસ્તારના ખેડૂતોના હકનું પાણી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન, રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

Back to top button
error: Content is protected !!