GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ : ‘સિલિકોસિસ પીડિત સંઘ’ દ્વારા કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ

 

MORBI:મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ : ‘સિલિકોસિસ પીડિત સંઘ’ દ્વારા કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ

 

મોરબી, તા. ૩૦ જૂન : સિલિકોસિસ જેવી ગંભીર અને જીવલેણ વ્યવસાયિક બીમારીનો ભોગ બનેલા મોરબીના ઔદ્યોગિક શ્રમિકોને કાયદેસરનું વળતર અપાવવામાં મોરબીની ‘ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી’ (DISH) પોતાની કાયદેસરની ફરજમાંથી પીછેહઠ કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ ‘સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી’ દ્વારા કરવામાં આવ્યો છે. સંઘ દ્વારા ગત તા. ૨૯ જૂનના રોજ કચેરીના નાયબ નિયામકને લેખિત નોટિસ પાઠવીને ૩ પીડિત શ્રમિકોના કેસમાં ૭ દિવસમાં વળતરનો દાવો દાખલ કરવા અંતિમ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

‘સિલિકોસિસ પીડિત સંઘ’ દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં મોરબીના ત્રણ પીડિત શ્રમિકોના વળતરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે:

રમેશભાઈ બાબુભાઈ રાઠોડ: જેઓએ સોનેટ સેનેટરીવેરમાં વર્ષ ૨૦૧૫ થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કામ કર્યું છે.

સ્વ. મેરુભાઈ દેવશીભાઈ કણજારીયા: જેઓએ નોબલ ઇન્ડ્રસ્ટીઝમાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૩ સુધી કામ કર્યું હતું અને ૧૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સિલિકોસિસના કારણે તેમનું કમકમાટીભર્યું અવસાન થયું છે.

મીઠાભાઈ પુજાભાઈ સોલંકી: જેઓએ સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રા.લિ.માં કામ કર્યું છે અને તેમની પાસે ૨૦ વર્ષથી વધુ કામ કર્યાના પુરાવા છે.

સંઘે જણાવ્યું છે કે, અગાઉ કચેરી દ્વારા આ પીડિતોના સ્ટેટમેન્ટ લેવાયા હતા અને એકમોને ૧૫ દિવસમાં વળતર ચૂકવવા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ અચાનક આ કાર્યવાહી અટકાવી દઈને કચેરી દ્વારા શ્રમિકોને સીધા જ ‘લેબર કોર્ટ’માં અરજી કરવાની સલાહ આપતા ગોળ-ગોળ જવાબો પકડાવી દેવામાં આવ્યા છે.

DISH કચેરી કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે : સંઘે કચેરીનો કાનૂની ઉધડો લેતા જણાવ્યું છે કે, સને ૨૦૧૫ના મજૂર કાયદા (ગુજરાત સુધારા) અધિનિયમ મુજબ, કામદાર વળતર અધિનિયમની કલમ ૨૨ (૧ક) માં સ્પષ્ટ જોગવાઈ છે કે જો શ્રમિકો ૯૦ દિવસમાં અરજી ન કરી શકે, તો રાજ્ય સરકારે ‘અધિકૃત કરેલ અધિકારી’ (એટલે કે DISH કચેરી) એ વળતરની અરજી કરવાની રહેશે. કચેરી પાસે મેડિકલ કોલેજના રેકોર્ડ અને રોજગારીના પુરાવાઓ હોવા છતાં તેઓ પોતાની આ સીધી જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

શ્રમિકો માટે જાતે લડવું અશક્ય : કારખાનેદારો દ્વારા શ્રમિકોને ઓળખ કાર્ડ (ID Card) કે પગારની પાવતી અપાતી નથી અને પાલન હક્કથી વંચિત રાખવામાં આવે છે. આ સંજોગોમાં ગરીબ અને બીમાર પીડિતો માટે જાતે જ વળતર ધારા હેઠળ દાવો કરવો શક્ય હોતો નથી. સરકારી મરણોત્તર સહાય એ ખાનગી કારખાનેદારની બેદરકારીના કારણે આપવાના થતા કાયદેસરના ‘કામદાર વળતર’નો કોઈ વિકલ્પ નથી. ખાનગી એકમ નફો કરે અને કામદારને થયેલું નુકસાન સરકારી તિજોરીમાંથી ચૂકવાય તે ક્યાનો ન્યાય છે?

સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ૭ દિવસની અંદર કચેરી ‘અધિકૃત અધિકારી’ તરીકે જાતે લેબર કોર્ટમાં વળતર અરજી દાખલ નહીં કરે, તો ન્યાયતંત્રનો આશરો લેવાની ફરજ પડશે. આ બાબતે હાઇકોર્ટ સમક્ષ એક અરજી પર સુનાવણી પહેલેથી જ ચાલુ છે.

આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને સંઘ દ્વારા રાજ્યના શ્રમ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રમ વિભાગના સચિવશ્રી, શ્રમ આયુક્તશ્રી તથા મોરબી કલેક્ટર અને સિલિકોસિસ કમિટીના અધ્યક્ષ શ્રી સ્વપ્નિલ ખરે (IAS) ને ઈ-મેલ દ્વારા વિસ્તૃત જાણ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. – સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી

Back to top button
error: Content is protected !!