RAJKOT:ખનીજ માફિયાઓ પર રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમના ધોંસ: સાયલાના ચિત્રલાખામાંથી ૨૩.૩૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો




RAJKOT:ખનીજ માફિયાઓ પર રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમના ધોંસ: સાયલાના ચિત્રલાખામાંથી ૨૩.૩૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો

ટંકારા પંથકમાં પણ ખનીજ ચોરી ડામવા લોકમાગ ઉઠી; કચ્છ રેન્જ ક્યારે ત્રાટકશે તેની જોરશોરથી ચર્ચા

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચિત્રલાખા ગામમાં ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી પર મોટો દરોડો પાડીને સફળતા મેળવી છે. સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર કોલસો કાઢતા કુલ રૂપિયા ૨૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરી બાદ હવે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામડાઓમાં પણ ખનીજ ચોરી રોકવા કચ્છ રેન્જની ટીમ ક્યારે ત્રાટકશે, તેની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
રાજકોટ રેન્જ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા કુદરતી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે, પી.આઈ. શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા અને સ્ટાફ કાર્યરત હતો.
દરમિયાન સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ હકીકતના આધારે સાયલાના ચિત્રલાખા ગામના સર્વે નંબર ૧૪૧ ના સરકારી ખરાબામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં અંદાજે ૧૩ જેટલા ખોદેલા ખાડાઓમાંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું.

રૂપિયા ૨૩.૩૦ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો પોલીસ ટીમે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:૩૭૦ ટન ખનીજ કોલસો ,૯ સુંઢકેસીંગ ,૩ ટ્રેકટર (જેમાં લાલજીભાઇ ધનાભાઇ પનારા-મુળીના માલિકીનું ટ્રેકટર નં. GJ13AM2861 અને અન્ય બે વગર નંબરના ટ્રેકટર) ,૩ કંપ્રેશન અને ૧ જનરેટર ,૩ મોટરસાયકલ (૧. નં. GJ13BC3493 – જનકભાઇ વીજાભાઇ સારદીયા, રહે. થાનગઢ, ૨. નં. GJ13AF1951 – રામાભાઇ પુનાભાઇ કોઠારીયા, રહે. થાન, ૩. નં. GJ13BD8385 – રાહુલભાઇ મોતીભાઇ સરલા, રહે. સાયલા) આ તમામ મુદ્દામાલ સીઝ કરી સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આગળની દંડાત્મક કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ ટીમની આ આક્રમક કામગીરીને પગલે હવે પાડોશી જિલ્લાઓમાં પણ ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ ટંકારા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી હોવાની વ્યાપક બૂમો ઉઠી રહી છે. સ્થાનિક સ્તરે ગામડાઓમાં હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, જે રીતે રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગરમાં સપાટો બોલાવ્યો, તેવી જ રીતે કચ્છ રેન્જની ટીમ ટંકારા પંથકના ગામડાઓમાં ક્યારે ત્રાટકશે અને ખનીજ માફિયાઓનો સફાયો કરશે? સ્થાનિક જનતા ખનીજ ચોરી ડામવા માટે રેન્જ કક્ષાની કડક કાર્યવાહીની આતુરતાથી રાહ જોઈ રહી છે.


