WAKANER:વાંકાનેરના 10 ગામોમાંથી પસાર થશે 3 હેવી વીજલાઇન; ખેડૂતોમાં ભારોભાર નારાજગી!




WAKANER:વાંકાનેરના 10 ગામોમાંથી પસાર થશે 3 હેવી વીજલાઇન; ખેડૂતોમાં ભારોભાર નારાજગી!

મોરબી જિલ્લામાં સરકારના કહેવાતા ‘વિકાસ’ પાછળ ખેડૂતોનો વિનાશ નોતરતો મોટો પ્લાન સામે આવ્યો છે. સમગ્ર જિલ્લામાં એકસાથે 9 નવી વીજલાઇનો ઝીંકી દઈને જગતના તાતને પાયમાલ કરવાનો કારસો ઘડાયો છે. ખાસ કરીને વાંકાનેર પંથકના માથે 3 ભયાનક હેવી વીજલાઇનો થોપી દેવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે લોહીઉકાળો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને કંપનીઓની મિલીભગતથી ખેડૂતોની કિંમતી જમીનોને કચરા સમાન ગણીને બરબાદ કરવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે.?
વધુ 9 નવી વીજલાઇનો ખેડૂતોની મુશ્કેલી વધારશે: વાંકાનેર પંથકમાં ભારે રોષ – કલેક્ટર સાથેની બેઠક અનિર્ણાયક રહી; યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાંથી વધુ 9 નવી વીજલાઇનો પસાર થવા જઈ રહી છે, જેને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી 3 હેવી વીજલાઇનો સામે સ્થાનિક ખેડૂતોમાં ભારોભાર નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ પ્રોજેક્ટના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટી નકારાત્મક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વીજલાઇન પસાર થવાની છે, જેની કામગીરી તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. ખેતરોની વચોવચ મોટા ટાવરો ઊભા કરવાથી અને માથેથી હાઈટેન્શન વાયરો પસાર થવાથી ખેડૂતોની મહામૂલી જમીન કાયમ માટે બિનઉપયોગી જેવી થઈ જશે અને ખેતીને મોટું નુકસાન જશે.
આ ગંભીર મુદ્દાના ઉકેલ માટે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જો કે, કલાકોની ચર્ચા બાદ પણ આ બેઠકમાં કોઈ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી.

ખેડૂતોનો સુર: “તંત્ર દ્વારા જે વળતરની વાત કરવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછું અને અન્યાયી છે. જમીનની કિંમતના બદલામાં આ નજીવું વળતર અમને મંજૂર નથી.”
બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ તંત્રના આ નિર્ણય સામે ઝૂકવા તૈયાર નથી. જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે કોઈ યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જ્વાળામુખી ફાટવાની પૂરેપૂરી સંભાવના છે.



