
સહકાર સપ્તાહ-2026 અંતર્ગત વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સહકાર સપ્તાહ વર્ષ-2026ની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) વિજાપુર દ્વારા તમાકુ માર્કેટ ખાતે પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં એપીએમસી વિજાપુરના ચેરમેન રાજુભાઈ એસ. પટેલ, પૂર્વ ચેરમેન કાન્તિભાઈ પટેલ, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરશ્રીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ વૃક્ષોનું માનવ જીવનમાં રહેલું મહત્વ સમજાવતાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સૌને અપીલ કરી હતી.
સહકાર સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં બજાર સમિતિના અધિકારીઓ, કર્મચારીઓ અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સૌએ સંકલ્પ લીધો હતો.
વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો દ્વારા સહકારી સંસ્થાઓ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે વિજાપુર એપીએમસીનો આ પ્રયાસ પ્રશંસનીય બન્યો હતો.



