AHAVADANG

ડાંગ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસનાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો,જેને પગલે સમગ્ર વિસ્તારનું વાતાવરણ અત્યંત આહલાદક બની ગયુ હતુ.વરસાદની સાથે સાથે સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર ઓઢાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પ્રકૃતિના અદભુત સાનિધ્યનો અહેસાસ કરી રહ્યા છે.સાપુતારા ઘાટ માર્ગમાં સમયાંતરે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહન ચાલકોને સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.સાપુતારા ઉપરાંત આહવા, વઘઇ અને સુબિર સહિતના પંથકોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો.આ આકસ્મિક અને ધબધબાટીભર્યા વરસાદને કારણે ડાંગના ગ્રામીણ વિસ્તારોના મુખ્ય માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.વરસાદનું જોર એટલું સારું હતું કે સ્થાનિક કોતરો અને ખેતરોના ક્યારાઓ પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા.લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ડાંગના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામતા સુકાઈ રહેલા ડાંગરના ધરુને નવું જીવનદાન મળ્યું છે, જેને પગલે ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેરો દોડી ગઈ છે અને તેઓ ખેતીકામમાં જોતરાઈ ગયા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર આજરોજ સુબિર પંથકમાં 11 મિમી,આહવા પંથકમાં 14 મિમી,સાપુતારા પંથકમાં 19 મિમી,જ્યારે વઘઇ પંથકમાં 41 મિમી અર્થાત 1.64 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!