
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિવાદમાં આવેલી માથાસુલીયા પ્રાથમિક શાળાની બે શિક્ષિકાઓની બદલીના આદેશ કર્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની માથાસુલીયા પ્રાથમિક શાળા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદોને લઈને ચર્ચામાં રહી છે. શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે વાલીઓને તેમની ઇચ્છા વિરુદ્ધ દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

આ મામલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ સંબંધિત શિક્ષિકાની માલપુર તાલુકાની વેલાણીયા પ્રાથમિક શાળામાં બદલી કરી દેવા માં આવી છે .શાળામાં વિવાદ દરમિયાન માથાસુલીયા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક અને વર્તમાન શિક્ષિકા વચ્ચેનો કથિત ટેલિફોનિક સંવાદ દર્શાવતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપ અંગે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા શિક્ષણ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા.
વાયરલ ઓડિયો ક્લિપમાં જેમના અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા, તે શિક્ષિકા દ્વારા ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતી અને ખોટા આક્ષેપો બદલ અધિકારી અને એક જવાબદાર શિક્ષક ની માફી માંગતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓની ટીમે નિષ્પક્ષ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શિક્ષણ તંત્ર તથા અધિકારી સહિત એક જવાબદાર શિક્ષક ને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અને તંત્ર સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવતાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિવાદમાં રહેલ શિક્ષિકાની પણ બાયડ તાલુકાની ખાંડા પ્રાથમિક શાળામાં બદલીના આદેશ કર્યો છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે અને તપાસના આધારે જરૂરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ, સમગ્ર પ્રકરણમાં બે શિક્ષિકાઓની બદલી કરવામાં આવી છે, જ્યારે એક શિક્ષક સામે પણ વિભાગીય સ્તરે કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.




