Rajkot: રાજકોટમાં યોજાયેલી પ્રાંત કારોબારીમાં શિક્ષકોના હિત, સંગઠન સશક્તિકરણ અને શિક્ષણના રાષ્ટ્રીય ધ્યેયો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો.

તા.૩૦/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા. 28 જૂન, 2026ના રોજ રવિવારે રાજકોટ સ્થિત સેવા ભારતી પરિસર,અમૂલ સર્કલ, રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતની પ્રાંત કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 400થી વધુ જવાબદાર કાર્યકરોની ઉપસ્થિતિએ સંગઠનની એકતા, કાર્યનિષ્ઠા અને શિક્ષક હિત પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનો જીવંત પરિચય કરાવ્યો.

બેઠકની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘગીતથી થઈ, જે શ્રી મૂળજીભાઈ ગઢવી દ્વારા રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રોટોકોલ મુજબ શ્રી મોહનજી પુરોહિત, શ્રી ભીખાભાઈ પટેલ, શ્રી મિતેશભાઈ ભટ્ટ, શ્રી પરેશભાઈ પટેલ અને શ્રી સરદારસિંહ મચ્છરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શ્રીમતી પ્રતિક્ષાબેન દ્વારા સરસ્વતી વંદના રજૂ કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બનાવવામાં આવ્યું.
પ્રથમ સત્રમાં શ્રી પરેશભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ગત પ્રાંત કારોબારીનું કાર્યવૃત્ત અને પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. TET પ્રશ્નને લઈને રાજ્યવ્યાપી થયેલા ધરણા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે રહ્યું હોવાનું જણાવાયું. આનંદ ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં વેકેશન હોવા છતાં કાર્યકરોની ઉત્સાહભેર ઉપસ્થિતિની પણ નોંધ લેવામાં આવી.
માતૃશક્તિ વંદના કાર્યક્રમ અંગે શ્રીમતી પલ્લવીબેન પટેલે વિગતવાર માહિતી આપી. વર્ષ 2020થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ચૈત્રી નવરાત્રિ દરમિયાન તાલુકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમોમાં 36,155થી વધુ કુમારિકાઓના પૂજનનું કાર્ય સફળતાપૂર્વક થયું હોવાનું જણાવાયું. આગામી સમયમાં આ સંખ્યાને 50 હજારથી વધુ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
શ્રી ચિરાગભાઈ પટેલે વર્ષ 2025-26ના નાણાકીય હિસાબો રજૂ કર્યા. બંને વિભાગોના આવક-જાવકના પારદર્શક હિસાબો, વિવિધ કાર્યક્રમોના ખર્ચ, સ્ટેશનરી ખર્ચ તેમજ હમારા વિદ્યાલય – હમારા તીર્થ સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી સભા સમક્ષ રજૂ કરવામાં આવી.
પ્રાથમિક વિભાગના અધ્યક્ષ શ્રી અનિરૂદ્ધસિંહ સોલંકીએ સંગઠનની સૌથી મોટી શક્તિ તેની સદસ્યતા હોવાનું જણાવતાં ગત વર્ષે 1.25 લાખ સભ્યસંખ્યાના સીમાચિહ્નનો ઉલ્લેખ કર્યો. તેમણે 1 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન મહા સદસ્યતા અભિયાનનું આયોજન કરી દરેક શાળા, મંડળ અને તાલુકા સુધી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો આહ્વાન કર્યો. સાથે જ તમામ એકમોને 22 જુલાઈ સુધી નાણાકીય હિસાબો રજૂ કરવાની સૂચના આપવામાં આવી.
શ્રી મોહનજી પુરોહિતે આગામી ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાનારા ગુરુ વંદન કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ તાલુકા અને શાળા કક્ષાએ 100 ટકા સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી આયોજન સમજાવવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારત માતા તથા મહર્ષિ વેદવ્યાસજીના ચિત્રનો ઉપયોગ કરવા તેમજ કાર્યક્રમને સંપૂર્ણપણે સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપમાં યોજવાનો આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો. રાજકીય વ્યક્તિઓને મંચ પર સન્માનિત ન કરવા અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું.
બેઠકના દ્વિતીય અને તૃતીય સત્રમાં આગામી સદસ્યતા પર્વ, સંગઠન વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી પ્રાપ્ત થયેલા શિક્ષક મિત્રોના પ્રાણપ્રશ્નો અંગે સંભાગવાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ શિક્ષકોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કર્યા અને તેના ઉકેલ માટે સંગઠનના આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા.
અંતિમ સત્રમાં પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષકોના વર્ષોથી પડતર રહેલા પ્રાણપ્રશ્નોના યોગ્ય અને સમયબદ્ધ ઉકેલ માટે સરકારને અંતિમ તક આપવામાં આવશે. જો યોગ્ય સમાધાન નહીં આવે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સમગ્ર રાજ્યમાં શિક્ષકોના હિત માટે લોકશાહી અને બંધારણીય માર્ગે સશક્ત આંદોલન કરશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ ના અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ મહામંત્રી શ્રી સાગરભાઈ પોપટ અને સંગઠન મંત્રી શ્રી રામલાલભાઈ શિંગાળા એ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રાંત કારોબારી માત્ર એક બેઠક નહોતી, પરંતુ શિક્ષકોના સ્વાભિમાન, શિક્ષણના રાષ્ટ્રીય પુનર્જાગરણ અને સંગઠનની અવિરત સેવાયાત્રાનું સંકલ્પ સમારોહ બની રહી. શિક્ષક સમાજના હિત માટે સંઘર્ષ અને સેવા—આ બંનેને સમાન પ્રાધાન્ય આપતા મહાસંઘે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો કે “શિક્ષકનું સન્માન, શિક્ષણનો ઉત્કર્ષ અને રાષ્ટ્રનિર્માણ” એ જ સંગઠનનો અડગ ધ્યેય છે.



