RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ આર.ટી.ઓ. દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સીલ્વર ફેન્સી નંબરનું ૮ જુલાઈથી ઓનલાઇન પુનઃ ઇ-ઓક્શન

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૧૦ જુલાઈ સુધી ઓનલાઈન અરજી અને ૧૨ જુલાઈ સુધી બિડિંગ : ૧૨ જુલાઈએ પરિણામ જાહેર થશે

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર કારના વાહન માલિકો માટે GJ-03-QD સીરિઝ તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર ફેન્સી નંબર માટે ઓનલાઇન પુનઃઇ-ઓક્શન યોજવામાં આવશે, જે તા. ૮ જુલાઈ, ૨૦૨૬થી શરૂ થશે. ઇચ્છુક વાહન માલિકો https://parivahan.gov.in/fancy વેબસાઇટ પર ઓનલાઇન નોંધણી કરીને ઓક્શનમાં ભાગ લઈ શકશે.

ફેન્સી નંબર મેળવવા માટે અરજદારે સૌપ્રથમ Parivahan.gov.in વેબસાઇટ પર જઈ Online Services વિભાગ હેઠળ Fancy Number Booking વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ Public User તરીકે પોતાની આઈ.ડી. બનાવી ઓનલાઇન C.N.A. Form ભરવાનું રહેશે. ત્યારપછી પસંદગીનો નંબર પસંદ કરી નિયત કરેલી ફી ભર્યા બાદ ઓનલાઇન બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે.

હરાજીમાં નંબર ફાળવાયા બાદ પાંચ દિવસની અંદર બાકીની રકમ જમા કરાવવાની રહેશે. રકમ જમા થયા બાદ આર.ટી.ઓ. કચેરીમાંથી મંજૂરી મેળવી ફેન્સી નંબર મેળવવાનો રહેશે. વાહનની ખરીદીની તારીખથી સાત દિવસની અંદર C.N.A. ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તા. ૦૮ જુલાઈ, ૨૦૨૬ના સાંજે ૪.૦૦ કલાકથી તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬ના સાંજે ૪.૦૦ કલાક સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તા. ૧૦ જુલાઈના સાંજે ૪.૦૧ કલાકથી તા. ૧૨ જુલાઈના સાંજે ૪.૦૦ કલાક સુધી ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બિડિંગ પૂર્ણ થયા બાદ તા. ૧૨ જુલાઈના સાંજે ૪.૧૫ કલાકે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ વાહન માલિકોને સમયમર્યાદામાં ઓનલાઇન અરજી અને બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, વાહન વેચાણની તારીખથી સાત દિવસની અંદર CNA Form ઓનલાઇન ભરવું ફરજિયાત છે. નિયત સમયમર્યાદા બાદ કરવામાં આવેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!