RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સાંસદ સંવાદ અને સાંસદ સમર્થન” અંતર્ગત રાજકોટના લોકસભા સભ્ય માનનીય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ સાથે મહત્વપૂર્ણ મુલાકાત

તા.૩૦/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષક મિત્રોને TET પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્યવ્યાપી બીજા તબક્કાના આંદોલન અંતર્ગત *”સાંસદ સંવાદ અને સાંસદ સમર્થન”* કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના પ્રતિનિધિમંડળે રાજકોટના લોકસભા સભ્ય અને દેશના વરિષ્ઠ જનપ્રતિનિધિ માનનીય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી હતી.

પ્રતિનિધિમંડળ દ્વારા વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા હજારો શિક્ષકોની વ્યથા, તેમની લાંબા સમયથી ચાલી આવતી ન્યાયસંગત માંગણી તથા TET મુક્તિ અંગેના તમામ કાનૂની, વહીવટી અને વ્યવહારુ પાસાઓને વિગતવાર રજૂ કરવામાં આવ્યા. શિક્ષકોએ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય કર્યું હોવા છતાં આજે પણ TET જેવી શરતનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમની સેવા, બઢતી અને કારકિર્દી સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ અંગે પ્રતિનિધિમંડળે અત્યંત સંવેદનશીલતા અને તથ્યો સાથે રજૂઆત કરી.

માનનીય સાંસદશ્રીએ સમગ્ર રજૂઆતને અત્યંત ધીરજપૂર્વક અને આત્મીયતાથી સાંભળી હતી. અંદાજે *45 મિનિટથી વધુ સમય સુધી તેઓ સંગઠનના હોદ્દેદારો સાથે સતત ચર્ચામાં જોડાયેલા રહ્યા.* માત્ર રજૂઆત સાંભળીને મર્યાદિત ન રહેતાં તેમણે શિક્ષકોના પ્રશ્નની ગંભીરતાને સ્વીકારી અને તેના યોગ્ય ઉકેલ માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો.

આ મુલાકાતનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ રહ્યું કે માનનીય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં જ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો. તેમણે શિક્ષક મિત્રોની લાગણી, તેમની ન્યાયસંગત માંગણી અને પ્રશ્નની ગંભીરતા અંગે વિસ્તૃત ચર્ચા કરીને શિક્ષકોના હિતમાં યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કર્યો. આ ઘટનાએ સમગ્ર પ્રતિનિધિમંડળમાં નવી આશા અને વિશ્વાસનું સંચાર કર્યું.

માનનીય સાંસદશ્રીએ વધુમાં વિશ્વાસ આપ્યો કે જો જરૂરી બનશે તો આગામી ચોમાસુ સંસદીય સત્ર દરમિયાન પણ આ મુદ્દો સંસદમાં ઉઠાવી કેન્દ્ર અને રાજ્ય સરકારના ધ્યાન પર લાવવામાં આવશે, જેથી વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ન્યાય મળી શકે. તેમનો આ સ્પષ્ટ અને હકારાત્મક અભિગમ શિક્ષક સમાજ માટે આશ્વાસનરૂપ સાબિત થયો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આ લડત કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ હજારો શિક્ષકોના સ્વાભિમાન, ન્યાય અને શિક્ષણ વ્યવસ્થાની ગૌરવપૂર્ણ પરંપરાના રક્ષણ માટે છે. સંગઠન હંમેશાં લોકશાહી અને બંધારણીય માર્ગે શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યું છે અને આગળ પણ રહેશે.

જિલ્લા રાજકોટનું પ્રતિનિધિમંડળ માનનીય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કે તેમણે પોતાના વ્યસ્ત સમયમાંથી કિંમતી સમય ફાળવી શિક્ષક મિત્રોની રજૂઆતને ગંભીરતાથી સાંભળી, તાત્કાલિક શિક્ષણમંત્રીશ્રી સાથે ચર્ચા કરી અને સંસદ સુધી આ મુદ્દાને પહોંચાડવાની બાંહેધરી આપી.

શિક્ષક સમાજને વિશ્વાસ છે કે લોકશાહી પદ્ધતિથી થઈ રહેલા આ પ્રયાસો ચોક્કસપણે સફળ થશે અને વર્ષ–2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષક મિત્રોને TET પરીક્ષામાંથી મુક્તિ અંગે વહેલી તકે ન્યાયસંગત અને હકારાત્મક નિર્ણય પ્રાપ્ત થશે.

“શિક્ષકનો પ્રશ્ન માત્ર શિક્ષકનો પ્રશ્ન નથી, પરંતુ આવનારી પેઢીના શિક્ષણ અને સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. ન્યાય માટેનો આ સંઘર્ષ અંતિમ વિજય સુધી અવિરત ચાલુ રહેશે.”

Back to top button
error: Content is protected !!