નવસારી: પેઢીનામું બંધ થતાં આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન પર સંકટ, ડો. નિરવ પટેલની સરકાર સમક્ષ તાત્કાલિક માંગ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તલાટી મંડળના નિર્ણયથી આદિવાસી સમાજમાં રોષ, પેઢીનામું શરૂ કરાવવા ડો. નિરવ ભુલાભાઈ પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો દ્વારા ‘પેઢીનામું’ (Pedhinamu) આપવાની કામગીરી અચાનક બંધ થઈ જતાં આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ, જાતિના પ્રમાણપત્રો તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભો પર ગંભીર અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે. આ ગંભીર પ્રશ્નને લઈ ખેરગામના યુથ લીડર, છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના રેવન્યુ સેક્રેટરી અને ટ્રાયબલ સેક્રેટરીને રજૂઆત કરીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
ડો. પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય તલાટી મંડળની સૂચનાઓને આધારે અનેક ગ્રામ પંચાયતોના તલાટી-કમ-મંત્રીઓ દ્વારા પેઢીનામું કાઢી આપવાની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. હાલ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને કોલેજો સહિત ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પેઢીનામું ઉપલબ્ધ ન હોવાથી આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના જરૂરી દસ્તાવેજો મેળવી શકતા નથી. પરિણામે તેમના એડમિશન અટકી જવાની સાથે સ્કોલરશિપ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી પણ તેઓ વંચિત રહેવાનો ભય ઊભો થયો છે.
આ બાબતને ઉદાહરણ સાથે રજૂ કરતાં ડો. પટેલે જણાવ્યું કે ધરમપુર તાલુકાના ધામણી ગામના રહેવાસી નગીનભાઈ રૂપજીભાઈ વાંક પોતાની સાસુ માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા જરૂરી પુરાવા અને સોગંદનામા સાથે ૯ જુલાઈના રોજ ધામણી ગ્રામ પંચાયત પહોંચ્યા હતા. જોકે તલાટી મંડળની સૂચનાઓનો હવાલો આપી તેમને પેઢીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. આવી જ પરિસ્થિતિ અન્ય અનેક ગામોમાં પણ સર્જાઈ રહી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
ડો. પટેલે જણાવ્યું કે પેઢીનામું માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ આદિવાસી સમાજના શિક્ષણ, રોજગાર અને સરકારી હકો સાથે સીધું જોડાયેલું મહત્વપૂર્ણ પ્રમાણપત્ર છે. વહીવટી વિવાદો કે સંગઠનના પ્રશ્નોના કારણે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવા જોઈએ નહીં.
તેમણે રાજ્ય સરકારને અપીલ કરી છે કે સંવેદનશીલ અભિગમ અપનાવી પંચાયત વિભાગ અથવા મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અથવા લેખિત આદેશો જાહેર કરીને સમગ્ર રાજ્યના ગામડાઓમાં પેઢીનામું આપવાની કામગીરી યુદ્ધના ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે, જેથી આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ, જાતિ પ્રમાણપત્રોની પ્રક્રિયા અને સરકારી યોજનાઓના લાભો કોઈ પણ પ્રકારના વિલંબ વિના મળી રહે.



