GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ‘મા ફાઈનાન્સ’નો આતંક યથાવત: પઠાણી ઉઘરાણી અને ધમકી આપ્યાનો બીજો ગુનો દાખલ.

 

તારીખ ૧૦/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલોલમાં ‘માં ફાઈનાન્સ’ ના નામે ઊંચા વ્યાજે નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરવાના મામલે માલિક દીપેશ રાજપુત અને તેના માણસ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં વધુ એક કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.

કાલોલના ગોળીબાર વણઝારા વાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ૨૩ વર્ષીય યુવાન હસમુખજી તેજાજી વણઝારાએ વર્ષ ૨૦૨૩માં પોતાના ટ્રેક્ટરના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેઓ કાલોલ ખાતે આવેલી ‘માં ફાઈનાન્સ’ ની ઓફિસે ગયા હતા. જ્યાં ફાઈનાન્સના માલિક દીપેશ ઉર્ફે દીપક રાજપુત એ માસિક ૧૦% ના ઊંચા વ્યાજે અને રોજિંદા રૂ. ૧,૦૦૦ ના હપ્તા પેટે (૫૦ દિવસની શરતે) રૂ. ૫૦,૦૦૦ ની લોન મંજૂર કરી, સિક્યોરીટી તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બે કોરા ચેક, આધાર કાર્ડ અને ફોટા મેળવી રૂ. ૪૪,૦૦૦ રોકડા આપ્યા હતા અને ફરિયાદ મુજબ, ફરિયાદી હસમુખજી બીમાર પડતાં અને નાણાંની ભીંસ વધતાં તેમણે અવારનવાર વધુ રકમ વ્યાજે લેવી પડી હતી. ગત ૨૯ જૂન ૨૦૨૬ના રોજ ફાઈનાન્સના માણસોએ ફોન કરી લોન રેગ્યુલર કરવા દબાણ કર્યું હતું. ફરિયાદી ઓફિસે જતાં જુનું વ્યાજ કાપીને વધુ રૂ. ૧,૦૦,૦૦૦ ની લોન કરી આપી રોજ ના રૂ. ૨,૦૦૦ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ આજદિન સુધી રોકડ તેમજ ઓનલાઈન માધ્યમથી આશરે રૂ. ૩ થી ૪ લાખ જેટલું માતબર વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ ન હતી.ગત તા. ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં ફરિયાદી હસમુખજી અલીન્દ્રા ચોકડી ખાતે બેઠા હતા, ત્યારે ‘માં ફાઈનાન્સ’ ના માલિક દીપેશ રાજપુત અને તેનો માણસ જીગર પરમાર (રહે. શામળદેવી, કાલોલ) ત્યાં ધસી આવ્યા હતા. બાકી નીકળતા હપ્તાની ઉઘરાણી સારું તેમણે ફરિયાદીને જાહેરમાં મા-બેન સમાણી ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં, વ્યાજખોરોએ ધમકી આપતા કહ્યું હતું કે:

“જો વ્યાજના રૂપિયા નહીં આપે તો તને ઘરેથી ઉપાડી જઈશું, તારા ટાંટિયા તોડી નાખીશ અને સિક્યોરીટી પેટે આપેલા કોરા ચેકોમાં મોટી રકમ ભરી ચેક બાઉન્સ કરાવી તને જેલમાં પુરાવી દઈશ.આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને અંતે હસમુખજી વણઝારાએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બંને આરોપીઓ (૧) દીપેશ રાજપુત (માલિક, માં ફાઈનાન્સ, કાલોલ) અને (૨) જીગર પરમાર (રહે. શામળદેવી, કાલોલ) સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૭૩ હેઠળ ફરિયાદ નોંધી, બી.એન.એસ. કલમ ૩૦૮(૩), ૩૫૧(૩), ૫૪ તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમની કલમ ૪૦ અને ૪૨(d) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેની તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ આર મકવાણા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!