MEHSANAVIJAPUR

આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ અને આશાપુરા મંદિર દ્વારા પિલવાઈ પીએચસી ખાતે સગર્ભા માતા અને ટીબીના દર્દીઓને સુખડીનું વિતરણ

આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ અને આશાપુરા મંદિર દ્વારા પિલવાઈ પીએચસી ખાતે સગર્ભા માતા અને ટીબીના દર્દીઓને સુખડીનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સગર્ભા માતા અને ટીબીના દર્દીઓના પોષણ તથા આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ અને આશાપુરા મંદિર, પિલવાઈના સંયુક્ત ઉપક્રમે વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ખાતે સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓને ગર્ભ સંસ્કારના મંત્રોચ્ચાર સાથે શુભાશિષ પાઠવાયા તેમજ પુષ્પવર્ષા કરી માતા અને ગર્ભસ્થ શિશુના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઈ શાસ્ત્રીએ ગર્ભ સંસ્કારના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. એસ.બી. પટેલ, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તથા આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તૃપ્તિ પટેલે સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત અને પૌષ્ટિક આહાર, નિયમિત હિમોગ્લોબિન (એચ.બી.), વજન અને ઊંચાઈની તપાસ, પૂરતી ઊંઘ, હળવી કસરત, સારા પુસ્તકોનું વાંચન તથા દર મહિને યોજાતા મમતા દિવસમાં હાજરી આપવાની સમજ આપી હતી.

તેમણે ગર્ભવતી મહિલાઓને ધનુર (ટિટેનસ)ની રસી સમયસર લેવાં, દર માસની 9 અને 24 તારીખે પીએચસી ખાતે નિયમિત તપાસ માટે આવવા તેમજ તમાકુ અને તેની બનાવટોનું સંપૂર્ણપણે ત્યાગ કરવાની અપીલ કરી હતી. સાથે જ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત દીકરીના જન્મને આનંદપૂર્વક વધાવવાની અને સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાની પણ અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પિલવાઈ દ્વારા આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ અને આશાપુરા મંદિર, પિલવાઈનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!