
વિજાપુર પાસે હિટ એન્ડ રન: આનંદપુરાના એક્ટિવા ચાલકનું મોત, અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર-આનંદપુરા માર્ગ પર સાગર બંગલોઝ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં આનંદપુરા ગામના એક વ્યક્તિનું કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) ગઈ કાલે સાંજે પોતાની એક્ટિવા (રજી. નં. GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી.
ટક્કરના કારણે વિનોદકુમાર પટેલ રોડ પર પટકાતા તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તેમને સ્થાનીક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
મૃતકના ભત્રીજા સ્નેહલકુમાર મહેશભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



