Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘મિશન શક્તિ’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
‘સખી’ વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ રાજ્યમાં બીજા તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે
Rajkot: કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મહિલા સુરક્ષા, સલામતી અને સશક્તિકરણ અર્થે જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ યોગ્યતા ધરાવતા તમામ મહિલાઓને ગંગાસ્વરૂપા મહિલા પેન્શન યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

વધુમાં, ૧૮૧ અભયમ હેલ્પ લાઈન દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ ખાસ કરીને આત્મહત્યાના વિચાર કરતા મહિલાઓ સાથે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ બનતી યોજનાઓમાં બેન્ક દ્વારા અપાતી લોન તેમજ સબસીડીનો વધુને વધુ મહિલાઓને લાભ મળે તે માટે કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
જિલ્લા મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે આ તકે વિભાગ દ્વારા સરકારશ્રીની “બેટી બચાઓ બેટી પઢાઓ”, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના અંતર્ગત થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. રાજકોટ જિલ્લામાં વિભાગ દ્વારા આયોજિત ૮૧ જેટલા જનજાગૃતિ કાર્યક્રમોમાં આશરે ૪,૩૦૫ જેટલી મહિલાઓએ લાભ લીધો હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું.
જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ ગુજરાતમાં બીજા ક્રમે તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યાનું શ્રી ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું.
આ તકે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનના કો-ઓર્ડીનેટર શ્રી તુષાર ભેરવાએ કહ્યું કે, રાજકોટમાં કુલ પાંચ મહિલા હેલ્પલાઇન વાન કાર્યરત છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૬માં કુલ ૧,૪૭૯ જેટલા અલગ અલગ કિસ્સામાં મહિલાઓને મદદ પહોચાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “મિશન શક્તિ” યોજનાની નવી ગાઈડલાઈન અમલમાં મૂકવામાં આવી છે. ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત ‘સંબલ’ અને ‘સામર્થ્ય’ એમ બે પેટા યોજનાઓ અમલી છે. જેનો હેતુ મહિલા સુરક્ષા, સલામતી અને સશક્તિકરણને મજબૂત બનાવવાનો છે.



