ARAVALLIMALPURMEGHRAJMODASA

ચાંદીપુરા વાયરસને લઈને અરવલ્લીમાં આરોગ્ય વિભાગ સજ્જ : માલપુર- મેઘરજમાં દવાનો છંટકાવ, વાલીઓને સતર્ક રહેવા અપીલ

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

ચાંદીપુરા વાયરસને લઈને અરવલ્લીમાં આરોગ્ય વિભાગ સજ્જ : માલપુર- મેઘરજમાં દવાનો છંટકાવ, વાલીઓને સતર્ક રહેવા અપીલ

પડોશી સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સાવચેતીના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને માલપુર અને મેઘરજના ગ્રામીણ વિસ્તારોમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૧ કેસ નોંધાયા છે, જેમાં ૫ બાળકોના મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતા અરવલ્લી જિલ્લામાં આરોગ્ય તંત્રને પણ સતર્ક રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. આ વાયરસનો ફેલાવો મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની નાની માખી દ્વારા થાય છે. આ માખી સામાન્ય રીતે કાચા મકાનો, ભેજવાળા અને અસ્વચ્છ વિસ્તારોમાં જોવા મળે છે. તેથી કાચા મકાનોમાં રહેતા નાના બાળકોમાં ચેપનું જોખમ વધુ રહે છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ અને જનજાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા અને તાવ, ઊલટી, આંચકી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગે વાલીઓને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!