વલસાડ: કપરાડા–કેવડા ફળિયામાં કરોડો રૂપિયાનું નવું ગરનાળું પ્રથમ જ વરસાદમાં ધોવાયું! ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. નિરવ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હાઈ-લેવલ તપાસ, બ્લેકલિસ્ટિંગ અને ગુણવત્તા તપાસની માંગ ઉઠાવી.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પંચવેરા અને કેવડા ફળિયા વચ્ચે તાજેતરમાં સરકારના વિકાસ કાર્યો હેઠળ બનાવવામાં આવેલું ગરનાળું (કલ્વર્ટ) પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડૉ. નિરવ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું ગરનાળું ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તૂટી પડવું માત્ર બેદરકારી નહીં પરંતુ ગંભીર ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન બાંધકામનું પરિણામ હોવાનું જણાય છે. આ ઘટનાના કારણે પંચવેરા અને કેવડા ફળિયાના આદિવાસી તેમજ શ્રમિક પરિવારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો અને કામદારો માટે અવરજવર જોખમી બની ગઈ છે. કોઈ તાત્કાલિક વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ડૉ. નિરવ પટેલે માંગ કરી છે કે આ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત એન્જિનિયરોને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ (High-Level Inquiry) હાથ ધરવામાં આવે. સાથે જ ગુણવત્તા ચકાસણી કર્યા વિના બિલ મંજૂર કરનાર અધિકારીઓ સામે પણ વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
રજુઆતમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે નુકસાન પામેલા ગરનાળાનું તાત્કાલિક પુનઃનિર્માણ કરવામાં આવે અને ભવિષ્યમાં સરકારી વિકાસ કાર્યોમાં આવી બેદરકારી ન બને તે માટે કડક ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે.
આ ઘટનાએ સરકારી વિકાસ કાર્યોની ગુણવત્તા, દેખરેખ અને પારદર્શિતા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાઈ છે.



