
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છના સાહિત્યકાર રવિ પેથાણી ‘તિમિર’ની સિદ્ધિ : માટીની મહેક હવે કોલેજના વર્ગખંડોમાં ભણાવાશે
મુંદરા, તા. ૧૦:
“અહીં ધૂળમાં પણ કંઈક એવો જાદુ છે સાહેબ, જે માટીમાં રમે એ જ સાહિત્યના શિખરો સર કરે છે.” કચ્છની ખમીરવંતી અને સંસ્કારી ધરાએ હંમેશા કલા, સંસ્કૃતિ અને અદ્ભુત સાહિત્યિક પ્રતિભાઓને જન્મ આપ્યો છે. આ શૃંખલામાં કચ્છના જાણીતા કચ્છી-ગુજરાતી ગઝલકાર તથા વરિષ્ઠ પત્રકાર રવિ પેથાણી ‘તિમિર’ની સાહિત્ય સાધનાને એક ઐતિહાસિક શૈક્ષણિક બહુમાન મળ્યું છે જેનાથી સમગ્ર કચ્છ પ્રદેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (ભુજ) દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત તેમના પુસ્તકને ઉચ્ચ શિક્ષણના સત્તાવાર અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોઈપણ સાહિત્યકાર માટે પોતાના જીવતેજીવ પોતાની કૃતિ યુનિવર્સિટીના પાઠ્યપુસ્તક તરીકે મંજૂર થાય તે સાહિત્યિક જીવનની સર્વોચ્ચ સિદ્ધિ ગણાય છે.
રવિ પેથાણી લિખિત લોકપ્રિય ગુજરાતી સ્મૃતિકથા ‘સાત ઢગલી ધૂળમાં’ ને કચ્છ યુનિવર્સિટીએ પાઠ્યક્રમમાં સામેલ કરીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું છે. આ પુસ્તકનો સમાવેશ M.A. (ગુજરાતી) ના વિદ્યાર્થીઓ માટે “ગુજરાતી સાહિત્યમાં સ્મૃતિકથા: ઉદ્ભવ અને વિકાસ” ના એકમ હેઠળ સમગ્રલક્ષી અભ્યાસ માટે કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું શીર્ષક બાળપણની ધૂળની ઢગલીઓ બનાવવાની નિર્દોષ રમત પરથી પ્રેરિત છે, જે વાચકને પોતાના બાળપણના સ્મરણોમાં વહાવી જાય છે. આ કૃતિમાં કચ્છના તળપદા લોકજીવન, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, વિસરાતા જતા ગ્રામીણ સંસ્કારો, અનોખી લોકબોલી અને રૂઢિપ્રયોગોનું અદભુત ભાષાકીય આલેખન જોવા મળે છે. આ સાથે જ, ભૂતકાળના સાથીઓ, કુટુંબની લાગણીઓ અને સમયના વહેણ સાથે છૂટી ગયેલા માનવીય સંબંધોની સંવેદનાનું ખૂબ જ ગંભીર અને ચિંતનાત્મક આલેખન આ કથાના કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.
રવિ પેથાણી ‘તિમિર’ની કલમ માત્ર ગુજરાતી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેમનો ડંકો વાગ્યો છે. તેમની પર્યાવરણ અને પ્રકૃતિ આધારિત અંગ્રેજીમાં અનુવાદિત રચના “Choosing the Path Untrodden” ને પણ B.A. English ના પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી કવિઓ રોબર્ટ ફ્રોસ્ટ અને વિલિયમ વર્ડઝવર્થની અમર કૃતિઓની સમકક્ષ આ રચનાને સ્થાન આપીને યુનિવર્સિટીએ તેમની વૈશ્વિક સાહિત્યિક દ્રષ્ટિને બિરદાવી છે.
પોતાની કલમના જોરે સમગ્ર ગુજરાતમાં કચ્છનું નામ રોશન કરનાર આ સાહિત્યકારે વતનનું ગૌરવ વધાર્યું છે, ત્યારે હવે વતન તરફથી પણ ઋણસ્વીકાર થાય તે સમયની માંગ છે. આગામી કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજના પાવન દિવસે કચ્છના સાહિત્યપ્રેમીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને આ ‘શબ્દના આરાધક’નું એક ભવ્ય અને સમાયોચિત જાહેર સન્માન કરે તે અત્યંત જરૂરી છે જેથી નવી પેઢીને પણ પોતાની માતૃભાષા અને સંસ્કૃતિની સેવા કરવાની ઉત્તમ પ્રેરણા મળી રહે.
(માહિતી સૌજન્ય: તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠક્કર, પીએચ.ડી. સ્કોલર (ગુજરાતી સાહિત્ય), ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા – કચ્છ યુનિવર્સિટી)


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




