MEHSANAVIJAPUR

વિશ્વ વસ્તી દિન નિમિત્તે વિજાપુરમાં જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો

સશક્ત પરિવારની ઓળખ – સ્વસ્થ માતા, ખુશહાલ સંતાન'ના સંદેશ સાથે કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન

વિશ્વ વસ્તી દિન નિમિત્તે વિજાપુરમાં જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો‘સશક્ત પરિવારની ઓળખ – સ્વસ્થ માતા, ખુશહાલ સંતાન’ના સંદેશ સાથે કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વધતી જતી વસ્તી સામે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને કુટુંબ નિયોજનના મહત્વને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિશ્વ વસ્તી દિન-2026ની ઉજવણી ના ભાગ રૂપે વિજાપુર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી જનરલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલી તથા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “સશક્ત પરિવારની ઓળખ – સ્વસ્થ માતા, ખુશહાલ સંતાન” થીમને કેન્દ્રસ્થાને રાખી નાનો પરિવાર, સુખી પરિવારનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્યતંત્ર મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુહાગભાઈ શ્રીમાળી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ એ આપેલી સૂચના મુજબ તાલુકા હેલ્થ કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
એસ.ડી.એચ.ના કેમ્પસથી શરૂ થયેલી જનજાગૃતિ રેલી તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન વિસ્તાર સુધી ફરી હતી. બેનરો અને પ્લેકાર્ડ સાથે ભાગ લેનારોએ કુટુંબ નિયોજન, સ્વસ્થ માતૃત્વ અને વસ્તી નિયંત્રણ અંગે સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
રેલી બાદ તાલુકા હેલ્થ કચેરીના સભાખંડમાં યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે વધતી વસ્તીના કારણે રોજગારી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, સ્વચ્છતા, ખોરાક, પાણી, ઊર્જા અને પર્યાવરણ પર પડતી ગંભીર અસરો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે નાનો પરિવાર અપનાવવાની જરૂરિયાત સમજાવી કુટુંબ નિયોજનની કાયમી તથા બિનકાયમી પદ્ધતિઓ જેવી કે પુરુષ અને સ્ત્રી ઓપરેશન, કોપર-ટી, અંતરા ઇન્જેક્શન, છાયા, કોન્ડોમ અને માલા-એન ગર્ભનિરોધક ગોળીઓ વિશે માહિતી આપી હતી.
વર્કશોપમાં બાળલગ્ન અટકાવવા પર પણ ભાર મૂકાયો હતો. દીકરીના લગ્ન માટે 18 વર્ષ અને દીકરાના લગ્ન માટે 21 વર્ષની કાયદેસરની ઉંમરનું પાલન કરવા તેમજ પ્રથમ સંતાન લગ્નના ત્રણ વર્ષ બાદ અને બીજા સંતાન વચ્ચે યોગ્ય અંતર રાખવાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ સાથે સ્વસ્થ માતા, ખુશહાલ સંતાન અને સમૃદ્ધ સમાજ દ્વારા શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રીમતી કે. જે. પટેલ નર્સિંગ કોલેજના નર્સિંગ વિદ્યાર્થીઓ, અર્બન હેલ્થ કચેરી વિજાપુરની આશા કાર્યકરો, ફિમેલ હેલ્થ વર્કરો તેમજ સીએમટીસી વિજાપુરમાં દાખલ બાળકોની માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રસંગે અર્બન હેલ્થ ઓફિસર ડો. અવંતિકા પટેલ અને ટીબી સુપરવાઇઝર પ્રકાશભાઈ નાયી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!