GUJARATKUTCHMUNDRA

કચ્છના ટાટ (હાયર સેકન્ડરી) પરીક્ષાના ઉમેદવારો માટે ‘પડ્યા ઉપર પાટુ’: પરીક્ષા તારીખ બદલાઈ પણ હોલ ટિકિટ મોડી શા માટે?

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

કચ્છના ટાટ (હાયર સેકન્ડરી) પરીક્ષાના ઉમેદવારો માટે ‘પડ્યા ઉપર પાટુ’: પરીક્ષા તારીખ બદલાઈ પણ હોલ ટિકિટ મોડી શા માટે?

મુંદરા, તા. ૧૧:

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ લેવાનારી ટાટ (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા લંબાવીને હવે ૦૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ લેવાનો પરિપત્ર જાહેર કરાતા કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ભારે આર્થિક અને માનસિક મુસીબત ઊભી થઈ છે. ભૌગોલિક રીતે વિશાળ એવા કચ્છ જિલ્લાના સેંકડો ઉમેદવારોએ અમદાવાદ કે ગાંધીનગર જેવા દૂરના સેન્ટરો પર સમયસર પહોંચવા માટે એડવાન્સમાં સીટ ન મળવાના ડરથી ૧૯ જુલાઈની બસો અને ટ્રેનોની ટિકિટો અગાઉથી બુક કરાવી લીધી હતી. હવે પરીક્ષાની તારીખ બદલાતા વિદ્યાર્થીઓએ કાં તો આ ટિકિટો રદ કરાવીને આર્થિક નુકસાન વેઠવું પડશે અથવા મુસાફરીની તારીખ બદલવાની જે નવા નિયમ મુજબ એ જ રૂઠની બસમાં એક વખત તારીખ બદલી શકાય તેની માથાકૂટમાં પડવું પડશે. સૌથી મોટો અન્યાય એ છે કે પરીક્ષા ૨ ઓગસ્ટે લેવાવાની નક્કી છે તો પછી હોલ ટિકિટ અગાઉની તારીખ ૧૯ જુલાઈ બાદ છેક ૨૦ જુલાઈએ શા માટે જાહેર કરવામાં આવશે? આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓ અત્યારથી ૨ ઓગસ્ટની ટિકિટ એડવાન્સમાં રી-શેડ્યૂલ કે બુક કરાવે અને ૨૦ જુલાઈએ જાહેર થનાર હોલ ટિકિટમાં બોર્ડ દર વખતની જેમ અપાતું પરીક્ષા કેન્દ્રનું શહેર બદલી નાખે તો મધ્યમવર્ગીય બેરોજગાર વિદ્યાર્થીઓના બુકિંગના પૈસા બીજી વખત પણ પાણીમાં જાય ને? આમ ટ્રેન-બસની સુવિધાના અભાવવાળા આ દુર્ગમ વિસ્તારના ઉમેદવારો માટે આ નિર્ણય ‘બંને બાજુથી મરો’ અને ‘પડ્યા ઉપર પાટુ’ સમાન સાબિત થયો છે. સ્થાનિક સ્તરે જાગૃત નાગરિકો અને ‘આપણું કચ્છ’ સોશિયલ મીડિયા પેજ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી અને પરીક્ષા બોર્ડ સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે ૨૦ જુલાઈ સુધી વિદ્યાર્થીઓને અદ્ધરતાલ રાખવાને બદલે આગામી બે-ત્રણ દિવસમાં જ હોલ ટિકિટ અથવા કમસેકમ કચ્છના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું શહેર તાત્કાલિક જાહેર કરવામાં આવે જેથી યુવાનો સમયસર બુકિંગ કરાવી નિશ્ચિતપણે પરીક્ષાની તૈયારી કરી શકે. આ સાથે જ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ વ્યાજબી પ્રશ્ન ઉઠાવનારા યુવાનોનો અવાજ દબાવવા માટે સ્થાનિક રાજકીય ગ્રુપોમાંથી જે રીતે સભ્યોને રીમુવ કરવાની અસહિષ્ણુતા દાખવવામાં આવી છે તેના પર કટાક્ષ કરતા યુવા સંગઠનોએ જણાવ્યું છે કે વિરોધનો અવાજ દબાવનારાઓ ભલે ‘બી જે (પાણી) પી’ નું નામ સાર્થક કરીને પોતાનામાં પાણી ન હોવાનું આડકતરી રીતે કબૂલ કરે અને પરીક્ષા બોર્ડ ભલે બેરોજગાર યુવાનોના પૈસાનું પાણી કરે પરંતુ આગામી સમયમાં જ્યારે શિક્ષિત યુવાનો જાગશે અને સત્તાની બાગડોર સંભાળશે ત્યારે જ કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા સત્તાધીશોની સાચા અર્થમાં નીંદર ઉડશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!