WAKANER વાંકાનેર વૃક્ષ નહીં, સંસ્કાર પણ વાવ્યા વલાસણમાં પોલીસની અનોખી પહેલ, DYSP સમીર સારડાના સંદેશે જીત્યા દિલ

WAKANER વાંકાનેર વૃક્ષ નહીં, સંસ્કાર પણ વાવ્યા વલાસણમાં પોલીસની અનોખી પહેલ, DYSP સમીર સારડાના સંદેશે જીત્યા દિલ
પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્ત સમાજના સંદેશને એક જ મંચ પરથી પ્રજાસમક્ષ પહોંચાડતો પ્રેરણાદાયી કાર્યક્રમ વાંકાનેર તાલુકાના વલાસણ ગામે યોજાયો હતો. વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના અધ્યક્ષસ્થાને ગામની શાળા, શમશાન, કબ્રસ્તાન તેમજ ગુલશનશા પીરની દરગાહ સહિત વિવિધ સ્થળોએ આશરે 150 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર પ્રો. પી.આર. સોલંકી, પીએસઆઈ ડી.વી. ખાંભલા, બીટ જમાદાર કિર્તીસિંહ જાડેજા, રાઇટર અક્ષયસિંહ પરમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.આ પ્રસંગે ડીવાયએસપી સમીર સારડાએ માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહી સમાજને સ્પર્શતો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, બાળકો જે જુએ છે તે જ શીખે છે, તેથી પરિવારના વડીલોએ બાળકોની સામે પાન, માવો, ગુટકો, તમાકુ અને અન્ય વ્યસનોનું સેવન ટાળવું જોઈએ. પરિવારમાંથી જ સારા સંસ્કારનું સિંચન થશે તો નવી પેઢી વ્યસનમુક્ત, જવાબદાર અને કાયદાનું પાલન કરતી નાગરિક બનશે. તેમણે પર્યાવરણની સાથે કાયદા પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મહેબૂબભાઈ કડીવાર, તાલુકા પંચાયત સદસ્ય હુસેનભાઈ શેરસીયા, તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ આહીર (મીતાણા), ઈરફાનભાઈ ચૌધરી (અરણી ટીંબા), કોંગ્રેસ માઇનોરિટી મોરબી જિલ્લા પ્રમુખ, વલાસણના સરપંચ બસીરભાઈ, રાધવાભાઈ ગમારા, ઈદુ ભગત ગમારા, લધુભાઈ ગમારા, ન્યાય સમિતિના કિશોરભાઈ ચાવડા, રાજુભાઈ વાલાભાઈ સહિત ગામના શિક્ષકો, હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વલાસણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના વિવિધ ધાર્મિક અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે સામાજિક એકતા અને સૌહાર્દનું પણ સુંદર ઉદાહરણ રજૂ થયું હતું.
આજના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા નથી, પરંતુ સમાજને યોગ્ય દિશા બતાવતી માર્ગદર્શક શક્તિ તરીકે પણ ઉભરી રહી છે. વલાસણ જેવા નાના ગામમાં યોજાયેલ આ કાર્યક્રમ દર્શાવે છે કે પોલીસ જ્યારે જનભાગીદારી સાથે પર્યાવરણ, વ્યસનમુક્તિ અને સંસ્કાર જેવા મુદ્દાઓને સ્પર્શે છે ત્યારે તેની અસર લાંબા ગાળે સમાજ પર પડે છે.એક તરફ વૃક્ષો વાવીને હરિયાળું ભવિષ્ય ઘડવાનો સંકલ્પ વ્યક્ત થયો તો બીજી તરફ બાળકોને સારા સંસ્કારો મળે તે માટે પરિવારની જવાબદારી અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો. હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ એક જ મંચ પર આવી પર્યાવરણ અને સામાજિક જાગૃતિ માટે એકજૂટ બન્યા તે આજના સમયની સકારાત્મક અને પ્રેરણાદાયી ઘટના કહી શકાય.









