GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સામાન્ય પવનમાં વીજપોલ ડોલ્યા! મોરબી જેતપર રોડનો વીડિયો વાયરલ, ઉદ્યોગકારોએ પૂછ્યું- ‘આવી રીતે બનશે સ્કીલ ઇન્ડિયા?’

 

MORBI:સામાન્ય પવનમાં વીજપોલ ડોલ્યા! મોરબી જેતપર રોડનો વીડિયો વાયરલ, ઉદ્યોગકારોએ પૂછ્યું- ‘આવી રીતે બનશે સ્કીલ ઇન્ડિયા?’

 

 

હજી તો ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી, ત્યાં મોરબી જિલ્લામાં વીજ તંત્રની પોલંપોલ અને પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ને કુલ રેવન્યુમાંથી સિંહફાળો એટલે કે ૩૨% જેટલી અધધ આવક એકમાત્ર મોરબી જિલ્લો રળી આપે છે. આટલી મોટી આવક આપતા અને દેશ-વિદેશમાં નામ ધરાવતા મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગો આજે વીજ તંત્રની લાપરવાહીના કારણે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કામગીરીમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. ઉદ્યોગકારો હવે તંત્રના બહેરા કાનથી કંટાળી ગયા છે. ફીડર અને લાઈનોના ઇન્સ્ટોલેશનમાં મોટા પાયે લાપરવાહી અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. જેના કારણે સામાન્ય દિવસોમાં પણ વારંવાર પાવર ફોલ્ટ (વીજ પ્રવાહ ખોરવાઈ જવો) થવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

સામાન્ય પવનમાં વીજ પોલ ડોલ્યા: જેતપર રોડનો વીડિયો વાયરલ

“જેમ વરસાદમાં બાળકો ગૂંચ-ગૂંચામણીની રમત રમતા હોય, તેવી રીતે અણઘડપણે વીજપોલ ઊભા કરી દેવાયા છે. કપડાં સૂકવવાના તાર કરતાં પણ ઢીલા વાયરો બાંધીને કોન્ટ્રાક્ટરો માત્ર લોલમલોલ કામગીરી કરી રહ્યા છે.” – સ્થાનિક ઉદ્યોગકાર

આ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવતો જાગતો પુરાવો મોરબીના જેતપર રોડ પરથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાવાઝોડું તો દૂરની વાત છે, માત્ર સામાન્ય પવન ફૂંકાતા જ વીજળીના તોતિંગ પોલ (થાંભલા) પત્તાના મહેલની જેમ ડોલી રહ્યા છે. ગમે ત્યારે આ પોલ ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

મોટા પગારદાર ઇજનેરોની ફોજ છતાં ‘સ્કિલ ઇન્ડિયા’ સામે સવાલ મોરબી જેવા ઔદ્યોગિક હબમાં PGVCL પાસે ક્વોલિફાઇડ ઇજનેરો (એન્જિનિયરો)ની આખી ફોજ છે, જેમને સરકાર દ્વારા તોતિંગ પગાર ચૂકવવામાં આવે છે. આમ છતાં, કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામ પર દેખરેખ રાખવામાં ઇજનેરો સદંતર નિષ્ફળ નીવડ્યા છે અથવા જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે.ઉદ્યોગકારો ભારે આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો દેશના આર્થિક કરોડરજ્જુ સમાન ઔદ્યોગિક વિસ્તારોમાં જ આવી લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર ચાલતો રહેશે, તો શું આપણે ખરા અર્થમાં ‘સ્કિલ ઇન્ડિયા’ (Skill India) કે આત્મનિર્ભર ભારત બનાવી શકીશું? ઉદ્યોગકારોએ માગ કરી છે કે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને કસૂરવાર કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

Back to top button
error: Content is protected !!