errors અમદાવાદમાં ‘મિશન ફાઇવ મિલિયન વૃક્ષ અભિયાન’ને વેગ: અમિત શાહના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ ગૌશાળા ખાતે સામૂહિક વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ‘મિશન ફાઇવ મિલિયન વૃક્ષ અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) સંચાલિત સાબરમતી આશ્રમ ગૌશાળાના પ્લોટ ખાતે ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેરક ઉપસ્થિતિ સાથે જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શહેરના પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવવા તેમજ ભાવિ પેઢીને હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ મળે તે માટે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું સામૂહિક રીતે વાવેતર કરવામાં આવ્યું હતું.
પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન માત્ર સામાજિક કે નૈતિક જવાબદારી જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ હોવાનું કાર્યક્રમ દરમિયાન પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારવા સાથે દરેક નાગરિક એક વૃક્ષનું વાવેતર કરીને તેનું જતન કરે તો અમદાવાદનું ભવિષ્ય વધુ હરિયાળું, સ્વસ્થ અને પર્યાવરણની દૃષ્ટિએ સુરક્ષિત બની શકે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમીઓ, પ્રબુદ્ધ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ વૃક્ષારોપણ કરીને ગ્રીન અમદાવાદના સંકલ્પને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિતોએ માત્ર વૃક્ષો વાવવાનો નહીં પરંતુ તેમના ઉછેર અને સંરક્ષણનો પણ સંકલ્પ લીધો હતો, જેથી શહેરમાં હરિયાળીનું પ્રમાણ સતત વધતું રહે.
આ પ્રસંગે મેયર હિતેશ બારોટ, ધારાસભ્યો જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન મિનેશ શાહ, શહેરના અગ્રણી પ્રેરક શાહ, નગરસેવકો, પદાધિકારીઓ તથા વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતન માટે જનભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
‘મિશન ફાઇવ મિલિયન વૃક્ષ અભિયાન’ અંતર્ગત અમદાવાદ શહેરમાં આગામી સમયમાં પણ વિવિધ વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના હરિયાળા આવરણમાં વધારો કરીને પર્યાવરણનું સંતુલન જાળવવું, હવાપ્રદૂષણ ઘટાડવું અને નાગરિકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવાના પ્રયાસોને સતત ગતિ આપવામાં આવી રહી છે.








