GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મચ્છુ-૩ ડેમમાં હિટાચી અને ડમ્પર વડે બેફામ રેતીચોરી, તંત્ર મૌન

 

MORBI:મોરબીના મચ્છુ-૩ ડેમમાં હિટાચી અને ડમ્પર વડે બેફામ રેતીચોરી, તંત્ર મૌન

 

મચ્છુ-૩ ડેમમાં મીડિયા પહોંચતા જ ખનીજ માફિયા ‘છૂ-મંતર’, તંત્રની મીઠી નજર હેઠળ કરોડોની ચોરી!

મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને સરકારી તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબીના મચ્છુ-૩ ડેમમાં મીડિયાની ટીમ પહોંચતા જ ખનીજ ચોરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં ભૂમાફિયાઓ ‘છૂ મંતર’ થઈ ગયા હતા. જોકે, ડેમમાંથી બે હિટાચી મશીન અને ડમ્પરની મદદથી નદીના પટમાંથી બેરોકટોક રેતીચોરી થતી હોવાના લાઈવ પુરાવા સામે આવ્યા છે. આ લાઈવ દ્રશ્યોએ ખનીજ વિભાગની કામગીરી અને કથિત ‘મીઠી નજર’ સામે અનેક સવાલો ખડા કર્યા છે.

ખનીજ માફિયાઓ અને કમિશન એજન્ટોએ સાથે મળીને મોરબી અને ટંકારા પંથકમાં સરકારી ખરાબા તથા ગૌચરની જમીનોને કોતરી ખાધી છે. કરોડો રૂપિયાની ખનીજ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, ખનીજ માફિયાઓએ પ્રશાસન, પોલીસ અને કેટલાક સ્થાનિક નેતાઓને ‘ખનખનિયા’ (લાંચ) આપીને મોં બંધ કરી દીધા છે, જેના કારણે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

 

બીજી તરફ ટંકારા નગરપાલિકા વિસ્તારમાં અને ગામડાઓમાં પણ ખનીજ ચોરીએ માઝા મૂકી છે. ટંકારાના ખાલસા વિસ્તારમાં રાજકોટ-મોરબી રોડ પર આવેલી કરોડોની જમીન રાતોરાત રોડ લેવલે કોણે કરી નાખી? તે એક મોટો સવાલ છે. આ ઉપરાંત:ડેમી નદીમાં આવેલી ખાલસા જમીનની ખાણોને પુરાવાના નાશ માટે કોણે બુરી દીધી?સ્થાનિક તળાવો ખોદીને તેની મલાઈ કોણ તણાઈ ગયું?પથ્થરોની કિંમતી ખાણો કટકટાવીને કોણ કરોડો કમાઈ ગયું?

આ તમામ સવાલો હાલ ટંકારાની જનતા પૂછી રહી છે. ટંકારા પોલીસ અને વહીવટી તંત્રની છત્રછાયા હેઠળ ધમધમતા આ કાળા કારોબાર સામે લોકોમાં ભારે રોષ છે. એવું લાગી રહ્યું છે કે ખનીજ માફિયાઓ કલેક્ટર ખરેના ખોફને પણ ધોળીને પી ગયા છે.સૌથી મોટો આશ્ચર્યજનક વિષય એ છે કે દર મહિને ખનીજ ચોરીના જે રિપોર્ટ બને છે, તેમાં કાગળ પર બધું જ ‘સબ સલામત’ દર્શાવવામાં આવે છે. સ્થાનિક સરપંચ અને તલાટી કમ મંત્રીની જવાબદારી હોવા છતાં તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદારને કાયદાકીય સત્તાઓ આપેલી હોવા છતાં, આ સત્તાનો ઉપયોગ ક્યારે અને કોણ કરશે? તે હાલનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે.હવે જોવાનું એ રહેશે કે આ લાઈવ પુરાવાઓ સામે આવ્યા બાદ ઉચ્ચ પ્રશાસન જાગશે કે પછી માફિયાઓનો આ જ રીતે આતંક ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!