
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નર્મદા કાંઠાના માલસર, માંડવા અને સુરાશામળ ગામોમાં તા. 10 અને 11 જુલાઈ, 2026ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેળ, પરવર, કારેલા અને દુધીના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કેળના પાક પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે, જ્યારે શાકભાજીના માંડવા તૂટી પડતાં પાક લગભગ નાશ પામ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ-શિનોર-પોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા શિનોર બજાર સમિતિના ચેરમેન મુકેશ પટેલે રાજ્ય સરકાર સમક્ષ અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે.
રજૂઆત મુજબ અસરગ્રસ્ત ગામોની વિગતો નીચે મુજબ છે:
માલસર – 75 ખેડૂતો, અંદાજે 100 હેક્ટર વિસ્તાર
માંડવા – 100 ખેડૂતો, અંદાજે 125 હેક્ટર વિસ્તાર
સુરાશામળ – 50 ખેડૂતો, અંદાજે 75 હેક્ટર વિસ્તાર
ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું છે કે ખેડૂતોની હાલની સ્થિતિ અત્યંત મુશ્કેલ છે અને સરકાર દ્વારા ઝડપથી સર્વે પૂર્ણ કરી યોગ્ય વળતર અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોને આશા છે.




