GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા તાલુકામાં આગોતરું ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’: ગામદીઠ તરવૈયાઓ, ૧૬૦થી વધુ આશ્રયસ્થાનો તૈયાર

તા.૧૩/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

બચાવ-રાહતકાર્ય માટે ૭૦ જેટલા જેસીબી, ટ્રેકટર-ડમ્પરની ગામદીઠ યાદી તૈયાર રખાઈ

નીચાણવાળાં ૨૫ ગામો, નદીકાંઠાનાં ૧૫ ગામોની યાદી પૂર પહેલાં તૈયાર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન મુજબ ઉપલેટા તાલુકાની ભૌગલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે રિસોર્સ નેટવર્ક તૈયાર રાખવામાં આવ્યું છે. ધોરાજી નાયબ કાલેકરશ્રીના નિરીક્ષણમાં ઉપલેટા મામલતદારશ્રી દ્વારા તાલુકામાં ચોમાસાની ઋતુ દરમ્યાન જરૂરી આપત્તિ વ્યસ્થાપનની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.

તાલુકામાં ગામદીઠ ઉપલબ્ધ જેસીબી, ટ્રેકટર, ડમ્પર, બુલડોઝર, ડિવોટરિંગ પંપ વગેરે વાહન અને સંસાધનોની યાદી તૈયાર કરવામાં આવેલી છે. જે મુજબ ઉપલેટા તાલુકામાં કુલ ૫૧ ગામોમાં ૪ વરસાદ માપક યંત્ર, ૩૮ જે.સી.બી., ટ્રેકટર, ડમ્પર સહિત ૭૦ જેટલા વાહનો જરૂર પડ્યે મદદરૂપ બની શકે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે.

નદી, નાળામાં પૂર કે અન્ય સંભવિત સ્થિતિમાં રાહત બચાવ માટે ગામનો સીધો સંપર્ક થઇ શકે તે માટે ૫૧ ગામોના સરપંચ, ૩૯ તલાટી-કમ મંત્રીશ્રી, તેમજ સંલગ્ન શાળાના આચાર્યશ્રીના મોબાઈલ નંબરની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

વધુમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વખતે ઉપયોગમાં લઈ શકાય તેવા આશ્રયસ્થાનો જેવા કે શાળા, સમાજની વાડી વગેરેની નામ, સરનામાં અને કોન્ટેક્ટ નંબર સહિત યાદી તૈયાર કરવામાં આવી છે. તાલુકામાં ૫૧ પ્રાથમિક શાળા અને ૧૧૧ સમાજની વાડીઓમાં જરૂર પડ્યે અસરગ્રસ્ત લોકોને આશ્રય આપી શકાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપલેટા તાલુકામાં કુલ ૫૧ ગામો છે, સર્વે બાદ તે પૈકી ૨૫ જેટલાં નીચાણવાળા ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત નદી કાંઠા આસપાસ ૧૫ જેટલા ગામોની અલાયદી યાદી તૈયાર કરવામાં આવી છે. જેથી ભારે વરસાદ અને નદીમાં પૂરના એલર્ટ વખતે સ્થળાંતર સહિતના આગોતરાં પગલાં લઈ શકાય.

તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે તે માટે ૭૦ જેટલા તરવૈયા તેમજ સ્વયંસેવક સહિત સેવાભાવી સંસ્થાઓની પણ યાદી તૈયાર રાખવામાં આવી છે. તાલુકામાં ૩૦ સભ્યોની એન.ડી.આર.એફ.ની ટીમ પૂરતા સંસાધનો સાથે તહેનાત રાખવામાં આવી છે.

ધોરાજી નાયબ કલેકટર શ્રી એન.એમ. તરખલા, મામલતદાર શ્રી એન.એચ. મહેતા તેમજ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.એમ. ત્રિવેદી, ઉપલેટા ચીફ ઓફિસર શ્રી ઉદયભાઈ નસીત અને ભાયાવદરના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા તેમજ સંલગ્ન વિભાગો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે સજ્જ છે.

Back to top button
error: Content is protected !!