Rajkot: નવા શૈક્ષણિક સત્રમાં કોલેજો-યુનિવર્સિટીઝમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમો વધારવા શહેર પોલીસ કમિશનરશ્રીની સૂચના

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નાર્કો કોર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાય
Rajkot: રાજકોટ પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં આજે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાય હતી. જેમાં કોલેજીયનોને ડ્રગ્સના દૂષણથી દૂર અને મુક્ત રાખવા પોલીસ કમિશનરશ્રીએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાગૃતિ કાર્યક્રમો વધારવા સૂચના આપી હતી. ખાસ કરીને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે કોલેજમાં નવા આવનારા યુવાનોને ‘નશામુક્ત ભારત’ અભિયાનમાં જોડવા માટે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક માસમાં ‘સે નો ટુ ડ્રગ્સ કેમ્પેઈન’ અંતર્ગત પાંચ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાંથી મેફેડ્રોનના બે કેસમાં બે આરોપી જ્યારે ગાંજાના કેસમાં એક આરોપીને ઝડપી લેવાયો છે. સિગારેટ અને તમાકુ ઉત્પાદનોના પ્રતિબંધ અંગેના કાયદા (કોટપા) અંતર્ગત ૧૩૬ કેસો કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ બેઠકમાં ડી.સી.પી. ઝોન-૧ સુશ્રી હેતલ પટેલ, ડી.સી.પી. ઝોન–૨ શ્રી રાકેશ દેસાઈ, એસ.ઓ.જી.ના પી.આઈ. શ્રી એન.બી.ચૌધરી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કૃષિ અને વન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કસ્ટમ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સિટીના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



