Rajkot: ટેકનોલોજીના યુગમાં જીવંત થઈ ઉઠી ટપાલ ટિકિટોની સોનેરી સફર : ટપાલ ટિકિટોમાં અંકિત થયેલો દેશનો ભવ્ય ઇતિહાસ

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ભારતીય પોસ્ટ વિભાગ – રાજકોટ દ્વારા આયોજિત બે દિવસીય ‘ફિલાટેલી પ્રદર્શન’ સંપન્ન
Rajkot: આજના ડિજિટલ યુગમાં પત્રો અને ટપાલ ટિકિટોની સોનેરી સફર કેટલી રસપ્રદ હોઈ શકે, તેની પ્રતીતિ કરાવવા ભારતીય પોસ્ટ વિભાગ – રાજકોટ દ્વારા રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે બે દિવસીય ‘ફિલાટેલી પ્રદર્શન’ યોજાયું હતું.
પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, રમતગમત, વિજ્ઞાન, વન્યજીવ અને રાષ્ટ્રીય તહેવારો જેવા વિષયો પર આધારિત ૫૦૦થી વધુ ટપાલ ટિકિટો, ફર્સ્ટ ડે કવર અને ચિત્ર પોસ્ટકાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં શ્રી ધ્યાના શાહ, શ્રી જીજ્ઞેશભાઈ શાહ, શ્રી પરીત્રી ઉપાધ્યાય, શ્રી વિવેક મહેતા, શ્રી નિલેશ ઝાપડિયા, શ્રી કૈરવ જસાણી, શ્રી હેમાંગ મિયાત્રા, શ્રી શિરીષ માકડ અને શ્રી રાજેશ કોઠારીના ટિકિટ સંગ્રહો સામેલ હતા.
પ્રદર્શનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. સી. વી. રામન, ડૉ. હોમી જહાંગીર ભાભા અને સ્વામી વિવેકાનંદ પર આધારિત ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ ડિઝની સ્ટેમ્પ્સ, ચંદ્ર પર માનવીના પ્રયાણની ટિકિટો, વર્ષ ૧૯૮૭ ના વિશ્વ ફિલાટેલિક પ્રદર્શન અંતર્ગત દિલ્હીના સ્મારકો પર બહાર પાડેલી ટિકિટો, રમતગમત ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ અને વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પર આધારિત ટપાલ ટિકિટો રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કલા-સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થાપત્યો પર બહાર પાડવામાં આવેલી ટિકિટોનો સંગ્રહ પણ રજૂ કરાયો હતો.
પ્રદર્શનમાં નાગરિક ફરજો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવતી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટપાલ ટિકિટો તેમજ પોસ્ટમાર્ક ધરાવતા પરબીડિયાં રજૂ કરવામાં આવ્યા હતા.
ટપાલ ટિકિટોના પ્રદર્શનની સાથે સાથે નાગરિકો માટે આધાર અપડેશન અને પોસ્ટલ બેંકિંગ જેવી ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.







