GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને બાળકલ્યાણ સમિતિના સભ્યો અને એનજીઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

તા.૧૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

-: ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર :-

“વિકસિત ભારત @૨૦૪૭ માટે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી પ્રાથમિકતા”

“દીકરીઓને સશક્ત બનાવવા વાલીઓ સ્વરક્ષણના પાઠ ભણાવે, ગુડ ટચ અને બેડ ટચ વિશે જાગૃત કરે”

વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રને સહયોગ બદલ શુભેચ્છા પાઠવી

Rajkot: ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળકલ્યાણ સમિતિના સભ્યો અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જેમાં આયોગના સભ્ય શ્રી અમૃતાબેન અખિયા અને શ્રી કમલેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં બાળકોના અધિકારોના રક્ષણ પર ભાર મૂકતાં ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળકો સંબંધિત ગુનાઓને અટકાવવા માટે આપણે સૌએ ટીમ તરીકે કટિબદ્ધ થવું પડશે. બાળમજૂરી, બાળલગ્ન અને બાળજાતીય શોષણ જેવા ગંભીર મુદ્દાઓ અંગે છેવાડાના વિસ્તારો સુધી જાગૃતિ ફેલાવવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે દીકરીઓને સશક્ત બનાવવાની છે, આ માટે વાલીઓએ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપી ગુડ ટચ અને બેડ ટચ વિશે જાગૃત કરવી જોઈએ.

શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણની ચિંતા કરતા હોય, ત્યારે દેશના અને ગુજરાતના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી પ્રાથમિકતા છે. વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” સૂત્રને સાર્થક કરીને આપણે બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે.

આ બેઠકમાં ઉપસ્થિત બાળકલ્યાણ સમિતિના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ બાળસુરક્ષા અને કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ પર કામગીરી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા મળેલા સહયોગ બદલ શુભેચ્છા પાઠવી હતી.

શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ખાતે મળેલી આ બેઠકમાં નાયબ નિયામક, સમાજ સુરક્ષા શ્રી વશીમ શા સૈયદ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મેહુલગીરી ગોસ્વામી, ચીફ ઓફિસર-સમાજ સુરક્ષા કચેરી શ્રી સંતોષભાઈ રાઠોડ સહિતના અધિકારશ્રીઓ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યશ્રી, બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને બાળ સુરક્ષા અને કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!