GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના એક ખૂણે દર અઠવાડિયે જીવંત થતું મિની-ગામડું એટલે ‘ખેડૂત હાટ’

તા.૧૩/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

પ્રાકૃતિક શાકભાજી-ફળો ઉપરાંત ફૂલછોડ, માટીના કુંડ થી લઈને ઓર્ગેનિક સાબુ-શેમ્પૂ જેવી જીવનજરૂરી વસ્તુઓ એકસાથે ઉપલબ્ધ

નવરંગ નેચર ક્લબનો ‘ખેડૂત હાટ’નો પ્રકલ્પ રાજકોટ પૂરતો સીમિત ન રહેતા, સૌરાષ્ટ્રના ૨૦ સ્થળો સુધી પહોંચ્યો

આવનારી પેઢીના તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા શ્રી વિરજીભાઈ બાલાનો અનુરોધ

Rajkot: રવિવારની વહેલી સવાર હોય, પક્ષીઓનો કલરવ હોય અને હવામાં ફૂલોની સુવાસ ભળેલી હોય… આવા મજાના માહોલમાં રાજકોટના એક ખૂણે મિની-ગામડું જીવંત થાય છે અને તેનું નામ છે ‘ખેડૂત હાટ’. અહીં જે શાકભાજી, ફળો અને અનાજ મળે છે, તેના પર કોઈ ઝેરી રસાયણનો છંટકાવ નથી થયો, પણ તે મીઠાશથી ભરપૂર છે. સવારે વહેલા જાગીને, પોતાના ખેતરમાં વાવેલી દૂધી, રીંગણા કે ટમેટાં લઈને બેઠેલા ધરતીપુત્રોની આંખોમાં સંતોષ છે – પોતાના ‘શહેરના પરિવાર’ને પ્રાકૃતિક આહાર પીરસવાનો.

કોઈપણ કેમિકલ કે જંતુનાશક દવા વગર, માત્ર ગાયના છાણ-મૂત્રથી પકવેલા શાકભાજી જ્યારે સવારે સીધા ખેતરેથી બજારમાં આવે, ત્યારે તે તાજગીસભર હોય છે. રાજકોટનો આ અઠવાડીક ‘ખેડૂત હાટ’ માત્ર ખરીદ-વેચાણનું કેન્દ્ર નથી, પણ શુદ્ધ આહાર તરફ પાછા વળવાનું જીવંત માધ્યમ છે. અહીં પોતાના સંતાનની જેમ ઉછેરેલા પાકને લઈને આવેલા ખેડૂતો અને પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરતા શહેરના સજાગ નાગરિકો વચ્ચે આત્મીયતા જોવા મળે છે.

વન વિભાગની ફરજ દરમિયાન પ્રકૃતિને નજીકથી જોનારા પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને નવરંગ નેચર ક્લબના પ્રમુખ શ્રી વિરજીભાઈ બાલાએ હિંગોળગઢ નજીક નાનકડા ગામમાં જે વૈચારિક બીજ રોપ્યું હતું, તેને એક રાજકોટના દૈનિકના તત્કાલીન તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાના માર્ગદર્શને વટવૃક્ષનું રૂપ આપ્યું. આ ‘ખેડૂત હાટ’નો પ્રકલ્પ આજે માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૦ જેટલા જુદા-જુદા સ્થળો સુધી વિસ્તાર પામ્યો છે.

દર રવિવારની સવારે રાજકોટના બાલભવન ખાતે ઓપન એર થિયેટરમાં સવારે ૦૮ કલાકથી બપોરે ૦૧ કલાક સુધી પર્યાવરણપ્રેમીઓનો મેળો જોવા મળે છે. મુખ્યત્વે કેમિકલમુક્ત શાકભાજીની સુવાસ વચ્ચે આ હાટમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે. ગ્રાહકો માટે તાજા શાકભાજી ઉપરાંત આયુર્વેદિક ઔષધીઓ, ફૂલછોડ, જ્યુટ અને કંતાનમાંથી બનેલી આકર્ષક બેગ્સ, માટીના કુંડા, તવી અને બોટલ તેમજ ઓર્ગેનિક સાબુ અને શેમ્પૂ, દેશી મધ પણ ઉપલબ્ધ છે. ગરમીના દિવસોમાં ઓર્ગેનિક આઇસ્ક્રીમ અને શેરડીનો રસ મુલાકાતીઓને રાહત આપે છે, તો ચોમાસાની ઋતુમાં બાગાયતપ્રેમીઓ માટે રાહત દરે કલમી ફળાઉ છોડનું વિતરણ થાય છે. એટલું જ નહીં, પુસ્તકપ્રેમીઓ માટે જૂના પુસ્તકો પણ અહીં પ્રાપ્ત થાય છે.

ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિનો સતત વ્યાપ વધારી રહી છે. આ અભિયાન પાછળનો મુખ્ય આશય એ છે કે, જનતા પ્રાકૃતિક જીવનશૈલી તરફ વળે અને આપણા કૃષિકારો કેમિકલયુક્ત ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવે. ત્યારે જો આપણે આવનારી પેઢીને રોગમુક્ત અને તંદુરસ્ત રાખવી હશે, તો જનભાગીદારીથી આવી પ્રકૃતિલક્ષી વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવી પડશે, તેમ શ્રી વિરજીભાઈએ અંતમાં લાગણી વ્યક્ત કરી હતી.

 

*તરબૂચ વેચતા ખેડૂતથી શો-રૂમ માલિક સુધીની સફર ખેડતા શ્રી ચંદુભાઈ ભાગીયા*

ટંકારા તાલુકાના હરીપર ગામના ખેડૂત શ્રી ચંદુભાઈ ભાગીયાની વાત કરતા શ્રી વી. બાલા જણાવે છે કે, શ્રી ચંદુભાઈ શરૂઆતના દિવસોમાં માત્ર તરબૂચ વેચવા આવતા. તેમને આ પ્લેટફોર્મ પર ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળતા તેમની કમાણી વધી. હવે તેઓ શાકભાજી અને તેલનું મોટા પાયે વેચાણ કરવા ટૂંક સમયમાં રાજકોટ શહેરમાં શો-રૂમ શરૂ કરવા જઈ રહ્યા છે.આમ, આ બજારના કારણે સામાન્ય ખેડૂતોનું જીવનધોરણ પણ ઊંચું આવી રહ્યું છે, જે આ હાટની સાર્થકતા સિદ્ધ કરે છે.

Back to top button
error: Content is protected !!