Rajkot: ભારત ગૌરવ ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન

તા.૧૩/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યાની ૧૩ દિવસીય તીર્થ યાત્રાનો તા. ૨૯ મી ઓગસ્ટના રોજ રાજકોટથી પ્રારંભ
Rajkot: ભારતીય રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી. દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા “પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યા” પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા અંગે માહિતી આપતાં, આઈ.આર.સી.ટી.સી. પશ્ચિમ ઝોન અમદાવાદના રીજનલ મેનેજરેશ્રીએ જણાવ્યું છે કે, ૧૩ દિવસીય તીર્થ યાત્રા ભારત ગૌરવ ટ્રેન તા. ૨૯.૦૮.૨૦૨૬ ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે. આ ટ્રેનમાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામનગરથી યાત્રિકો જોડાઈ શકશે. ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેતી ૧૩ દિવસની આ યાત્રા ૨૯ ઓગસ્ટ ૨૦૨૬થી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ શરૂ થશે અને ૧૦ સપ્ટેમ્બર,૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે.
આઈ.આર.સી.ટી.સી. ના મેનેજરેશ્રીએ જણાવ્યું છે કે, મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, આઈ.આર.સી.ટી.સી. મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.
આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૪,૨૦૦, સ્ટાન્ડર્ડ ક્લાસ -3AC માટે રૂ. ૪૦,૧૦૦ અને સ્ટાન્ડર્ડ ક્લાસ – 2AC માટે રૂ. ૪૯,૫૦૦ ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈ.આર.સી.ટી.સી. દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.
આઈ.આર.સી.ટી.સી. દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, આઈ.આર.સી.ટી.સી. ની વેબસાઇટ ((www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકાશે.
આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ ૫૦૨, ૫મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ અથવા આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં. ૧, વડોદરા રેલવે સ્ટેશનમા સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp અથવા roadi@irctc.com પર ઇ-મેઇલ કરી શકશે.
ટુર પ્રોગ્રામની વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની રાજકોટ કચેરીમાં ૯૩૨૧૯૦૧૮૫૧ અને ૯૩૨૧૯૦૧૮૫૨, અમદાવાદ કચેરીમાં ૯૩૨૧૯૦૧૮૪૯, ૯૩૨૧૯૦૧૮૫૧ અને ૯૩૨૧૯૦૧૮૫૨, વડોદરા કચેરીમાં ૭૦૨૧૦૯૦૮૩૭ તેમજ સુરત કચેરીમાં ૭૦૨૧૦૯૦૪૯૮ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.




