MORBI:મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું: આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી વિભાગોના ધામા!

MORBI:મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું: આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી વિભાગોના ધામા!
જેતપર ખેડૂત આંદોલન વચ્ચે મોરબીમાં એક નવો વળાંક આવ્યો છે. આંદોલન સાથે સંકળાયેલા ખેડૂત આગેવાનોના કારખાનાઓ પર એકાએક સરકારી વિભાગો ત્રાટકતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. આજે જેતપર ખેડૂત સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાની ભાગીદારીવાળી ફેક્ટરીમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, જેતપર ખેડૂત સમિતિના સક્રિય સભ્ય વૈભવ અમૃતિયાની ભાગીદારીવાળી ‘FERROLI GYPSHEET LLP’ નામની ફેક્ટરી પર આજે સરકારી અધિકારીઓનો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. આ તપાસમાં કોઈ એક નહીં, પરંતુ અલગ-અલગ વિભાગો જોડાયા હતા. જેમાં ખાસ કરીને ખાણ-ખનીજ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતની ટીમોએ ફેક્ટરીના દસ્તાવેજો, સ્ટોક અને સમગ્ર કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, મોરબીમાં સરકારી તંત્રની આ પ્રકારની કાર્યવાહીનો આ બીજો કિસ્સો છે. ગઈકાલે જ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા સાથે સંકળાયેલા સ્ટોન ક્રશર ખાતે પણ ખાણ-ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યાં સ્ટોક ચકાસણી સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. બે દિવસમાં સતત થયેલી આ બે મોટી કાર્યવાહીને પગલે ઉદ્યોગ જગતમાં પણ ફફડાટ ફેલાયો છે.બીજી તરફ, ખેડૂત આંદોલનના અગ્રણીઓએ આ સરકારી તપાસ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આંદોલનકારીઓનો સીધો આક્ષેપ છે કે:”સરકાર અને સરકારી એજન્સીઓ જાણીજોઈને ખેડૂત આગેવાનોને ટાર્ગેટ કરી રહી છે. આંદોલનને નબળું પાડવા અને આગેવાનો પર માનસિક દબાણ લાવવાના આ હીન પ્રયાસો થઈ રહ્યા છે.”એકતરફ ખેડૂત સંગઠનો આને રાજકીય કિન્નાખોરી અને દબાણ લાવવાની રણનીતિ ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા આ તપાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ રૂટિન તપાસ છે કે પછી કોઈ ચોક્કસ ફરિયાદના આધારે કરાયેલી કાર્યવાહી, તે અંગે તંત્રએ હજુ મૌન સેવ્યું છે.








