Rajkot: જિલ્લામાં ચોમાસા સંભવિત રોગચાળા સામે તત્કાલ પગલાં લેવા ૧૧ રેપિડ રિસ્પોન્સ ટીમ રચાઇ

તા.૧૩/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ચોમાસામાં સંભવિત રોગચાળા સામે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ પર
આરોગ્ય કેન્દ્રો તથા જિલ્લા સ્તરે દવાઓનો સ્ટોકસ રખાયો
વિવિધ વિસ્તારોમાં પાણીનું કલેક્શન તથા નમૂનાની તપાસનું આયોજન
Rajkot: રાજકોટ જિલ્લામાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો રોકવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
રોગચાળાની સ્થિતિમાં લોકોને ઝડપથી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી મેડીકલ ટીમોની રચના કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રોમાં તથા જિલ્લા સ્તરે પૂરતા પ્રમાણમાં આવશ્યક દવાઓ, ઈન્જેક્શનો, જંતુનાશક દવાઓ તેમજ કલોરીન પાઉડર સહિતનો જરૂરી તમામ જથ્થો રાખવામાં આવ્યો છે.
જિલ્લામાં જરૂરી મોટાભાગની દવાઓનો જથ્થો આગામી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, જેમાં ક્લોરિન ટેબ્લેટ, ટીસીએલ પાવડર (25 કિલો), ઓ.આર.એસ. પેકેટ, સિપ્રોફ્લોક્સાસિન ટેબ્લેટ, ડોક્સીસાયક્લિન કેપ્સ્યુલ, મેટ્રોનિડાઝોલ ટેબ્લેટ, એમોક્સિસિલિન કિડ્સ ટેબ્લેટ, આર.એલ. ઇન્જેક્શન, સિપ્રો ઇન્જેક્શન, મેથો સિરપ, ક્લોરોસ્કોપ, ઓર્થો ટ્રોલ (બોટલ), એ.એસ.વી. ઇન્જેક્શન તથા ટિશ્યૂ કલ્ચર સહિતની દવાઓ અને સામગ્રીનો સમાવેશ થાય છે.
નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના સ્ત્રોતોમાં સતત ક્લોરીનેશન કરવામાં આવે છે. પાણીની ગુણવત્તા જાળવવા અને પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમયાંતરે જુદા-જુદા વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકાદીઠ એક, એમ કુલ-૧૧ ‘રેપિડ રિસ્પોન્સ ટીમ’ (RRT) ની વિશેષ રચના કરવામાં આવી છે. આ ટીમો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે કોઈપણ પ્રકારની દુર્ઘટના કે કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક ધોરણે જિલ્લાકક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રીને જાણ કરવા તમામ સ્થાનિક તબીબો અને આરોગ્યકર્મીઓને સૂચના આપવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીના વ્યવસ્થિત મોનિટરિંગ, સંકલન અને નાગરિકોની સહાયતા માટે ચોવીસ કલાક કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.



