Rajkot: ચોમાસામાં નિયંત્રિત ગતિ, ટ્રાફિક નિયમોનું પાલન અને જરૂરી તકેદારી અપનાવી સુરક્ષિત માર્ગવ્યવહારને આપો પ્રોત્સાહન

તા.૨૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – હેમાલી ભટ્ટ
ભીના રસ્તા પર અચાનક બ્રેક મારવાનું ટાળો, ગતિ મર્યાદિત રાખવી અને વાહનની સ્થિતિ ચકાસવી
વરસાદી ધૂંધળા વાતાવરણમાં દિવસ દરમિયાન પણ વાહનની હેડલાઇટ ચાલુ રાખવી
Rajkot: રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. વરસાદી મોસમમાં ભીના રસ્તાઓ અને ઓછી વિઝિબિલિટીના કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધી જતું હોય છે. આ સ્થિતિમાં વાહન ચાલકોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
ઝડપ પર મર્યાદા અને અચાનક બ્રેકિંગ ટાળવું: ભીના રસ્તા પર ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે. આથી વાહન નિયંત્રિત ઝડપે જ ચલાવવું. વાહન સ્લિપ થતું અટકાવવા અચાનક બ્રેક મારવાને બદલે ધીમેથી બ્રેકનો ઉપયોગ કરવો અને આગળ ચાલતા વાહનથી સલામત અંતર જાળવવું.રસ્તા પર વધુ પાણી ભરાયેલું હોય ત્યાં વાહન પૂરઝડપે ચલાવવું નહીં. પાણીના ઝડપી પ્રવાહથી એન્જિનમાં પાણી જવાનો ભય રહે છે તથા બ્રેક ફેઇલ થવાનું જોખમ પણ ઊભું થાય છે.
ટાયરની ગુણવત્તા અને હવાનું પ્રેશર: ઘસાઈ ગયેલા ટાયર ભીના રસ્તા પર તુરંત ગ્રીપ ગુમાવે છે. ચોમાસા દરમિયાન ટાયરમાં પૂરતી ગ્રીપ હોય અને હવાનું યોગ્ય પ્રેશર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું.
વાઇપર્સ યોગ્ય કાર્યરત હોવા જરૂરી: ભારે વરસાદમાં આગળનો રસ્તો સ્પષ્ટ દેખાય તે માટે કારના વાઇપર્સ યોગ્ય રીતે કાર્યરત હોવા જરૂરી છે. કારના કાચ પર અંદરથી જામતી ઝાકળ સાફ કરવા કારના ડિફોગર કે ACનો ઉપયોગ કરવો જોઈએ.
હેડલાઇટનો ઉપયોગ કરવો: વરસાદી ધૂંધળા વાતાવરણમાં દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખવી, જેથી સામેથી આવતા વાહનોને તમારું વાહન સ્પષ્ટ દેખાઈ શકે. ઝાંખી કે પીળી પડી ગયેલી લાઇટો સમયસર બદલવી હિતાવહ છે.
ઈમરજન્સી કીટ સાથે રાખવી: મુસાફરી દરમિયાન આપત્તિની સ્થિતિને પહોંચી વળવા વાહનમાં ટોર્ચ, ફર્સ્ટ-એઈડ કીટ, જરૂરી ટૂલ્સ, રેઈનકોટ સહિતની વસ્તુઓ સાથે રાખવી.
મેઘમહેર વચ્ચે માર્ગ સલામતી જાળવવી એ દરેક વાહનચાલકની પ્રાથમિક ફરજ છે. ચોમાસામાં નિયંત્રિત ગતિ, ટ્રાફિક નિયમોનું પાલન અને જરૂરી તકેદારી અપનાવી સુરક્ષિત માર્ગવ્યવહારને પ્રોત્સાહન આપવું જોઈએ.



