ઈરાની જળસીમામાં એક LPG ટેન્કર પર મિસાઈલ દ્વારા હુમલો, 28 ભારતીયો હતા સવાર

ઈરાની જળ સીમામાં એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર તમામ 28 ભારતીય નાવિકો સુરક્ષિત છે. આ ઘટનાની પુષ્ટિ કરતા, તેહરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, તેઓ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોઝામ્બિકનો ધ્વજ ધરાવતા એલપીજી ટેન્કર ‘દિશા’ પર હુમલો થયો હતો, પરંતુ સદભાગ્યે તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
ભારતીય દરિયાઈ કામદારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા’ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટની નજીક એક અજ્ઞાત મિસાઈલનો ઉપયોગ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે ટેન્કર પર્સિયન ગલ્ફ તરફ જઈ રહ્યું હતું. જોકે, આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલી પુષ્ટિ થઈ નથી.
આ ઘટનાએ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા ‘હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરના સંઘર્ષ પહેલાં, વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થતો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ફરી વધારો થવાને કારણે આ ક્ષેત્રમાં દરિયાઈ પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે. જુલાઈની શરૂઆતમાં સ્થપાયેલી કામચલાઉ યુદ્ધવિરામની સમજૂતી નિષ્ફળ ગયા બાદ હુમલા અને વળતા હુમલાનો દોર ફરી શરૂ થયો છે, જેનાથી હોર્મુઝની સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જરૂર પડવા પર ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.



