NATIONAL

અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની મૃત્યુઆંક 66 થયો

અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 લોકોના મોત થતાં રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો 66 સુધી પહોંચી ગયો છે. હાલમાં જ થયેલા મોતમાં 3 લોકો શિવસાગર જિલ્લાના અને 1 વ્યક્તિ ચરાઈદેવ જિલ્લાનો હતો. અસમ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (ASDMA) ના રિપોર્ટ અનુસાર, રાજ્યના 10 જિલ્લાઓમાં 6.54 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આવેલી આંતર-મંત્રાલયી કેન્દ્રીય ટીમે રવિવારે ચરાઈદેવ જિલ્લાના પૂર પ્રભાવિત સુમોની ગામની મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. ચરાઈદેવ જિલ્લા કમિશનર નેહા યાદવની હાજરીમાં આ ટીમે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ટીમ 29 જુલાઈ સુધી ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારને સોંપવામાં આવનારા આ ટીમના રિપોર્ટના આધારે અસમ માટે પુનર્વસન પેકેજ નક્કી કરવામાં આવશે. મુલાકાત પૂર્ણ કર્યા બાદ આ ટીમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે પણ બેઠક કરશે.

પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘અમે પૂરપીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને એરડ્રોપ કરવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છીએ. ગ્રાઉન્ડ અનુભવના આધારે, અમે મોટા જથ્થામાં ટાર્ગેટેડ ડ્રોપ કરવાનો પ્રયાસ કરીશું જેથી લોકોને સરળતાથી રાહત સામગ્રી મળી શકે.’

પૂરના પાણી રાજ્યના 28 મહેસૂલી વર્તુળોના 810 ગામો સુધી ફેલાઈ ગયા છે. આશરે 34,970 હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કામરૂપ અને કામરૂપ (મેટ્રો) ના શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

રાજ્યના શિવસાગર, ચરાઈદેવ, કામરૂપ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ગોલાઘાટ, ડિબ્રૂગઢ, હોજાઈ, સોનિતપુર અને નગાંવ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં સૌથી ગંભીર અસર શિવસાગરમાં જોવા મળી છે, જ્યાં આશરે 2.90 લાખ લોકો પૂરથી પીડાઈ રહ્યા છે. આ સિવાય ચરાઈદેવમાં 1.88 લાખ અને જોરહાટમાં 1.32 લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પૂરના કારણે માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં 143 રસ્તાઓ અને 10 તટબંધો ક્ષતિગ્રસ્ત થયા છે. માત્ર શિવસાગર જિલ્લામાં જ 7 જગ્યાએથી તટબંધ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. આ સિવાય 4.54 લાખથી વધુ પશુઓ પ્રભાવિત થયા છે, જ્યારે 3,000 થી વધુ પશુઓ અને પોલ્ટ્રી તણાઈ ગયા હોવાના અહેવાલ છે.

વહીવટીતંત્રે પૂરપીડિતોની મદદ માટે 274 રાહત કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં 90 રાહત શિબિર અને 184 રાહત વિતરણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. હાલ આ શિબિરોમાં 18,902 લોકો આશરો લઈ રહ્યા છે, જેમાં 2,157 બાળકો અને 187 ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્રની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં સતત જોડાયેલી છે.

કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે શિવસાગરના રાહત શિબિરોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે પૂરની સ્થિતિને ‘બેહદ ગંભીર’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ મળીને રાહત અને બચાવ કાર્યને ઝડપથી આગળ વધારી રહી છે, જેથી પ્રભાવિત લોકો સુધી તમામ શક્ય સહાય પહોંચાડી શકાય.’

કેન્દ્રીય જળ આયોગ (CWC) ના રિપોર્ટ મુજબ, શિવસાગરની દિખૌ નદી અને નુમાલીગઢ પાસે દક્ષિણ ધાનસિરી નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે અને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!