
ગોગાધામ પિલવાઈ ખાતે જાયન્ટ્સ વિજાપુર સહિયરની અનોખી સેવા પ્રવૃત્તિ
ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓનું પૂજન, ભેટ-સોગાદ અને પ્રસાદથી કરાયું સન્માન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જાયન્ટ્સ વિજાપુર સહિયર દ્વારા પ્રમુખ શ્રીમતી કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ ગોગાધામ પિલવાઈ (GDP) ખાતે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓ માટે ભક્તિભાવ અને સેવાભાવથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી દીકરીઓને આરતી તથા પૂજાની થાળી, સૂકો મેવો, શૃંગાર કીટ, દક્ષિણા તેમજ પ્રમાણિક પરિવાર તરફથી મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગોગાધામ પિલવાઈના મહંત શ્રી ગિરીશ બાપાના પાવન હસ્તે કન્યાઓનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું અને તેમને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં દીકરીઓ અને તેમના પરિવારજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ત્યારબાદ તમામ વ્રતધારી દીકરીઓને ગોગાધામના અન્નક્ષેત્ર ખાતે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતિમ તબક્કે દીકરીઓના હાથે ગાય માતાનું પૂજન કરાવી ગોળ ખવડાવવામાં આવ્યો હતો. આ સેવા અને સંસ્કારથી ઓતપ્રોત કાર્યક્રમને ઉપસ્થિતોએ સરાહ્યો હતો. જાયન્ટ્સ વિજાપુર સહિયરની આ પહેલે ધાર્મિક પરંપરા સાથે સમાજસેવાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.




