NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: પૂરગ્રસ્તોના 31,511 પરિવારોને ₹5.64 કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવાઈ; સર્વે ની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

તાજેતરમાં નવસારી જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના ધોરણો મુજબ સમયસર સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ કેશડોલ સહાયની ચૂકવણી, નુકસાનનો સર્વે, આરોગ્ય સેવાઓ તેમજ સફાઈ અભિયાન સહિતની વિવિધ કામગીરી સતત ચાલી રહી છે.

જિલ્લામાં તા. 26 જુલાઈ, 2026ના બપોરે 3:00 વાગ્યા સુધીમાં કુલ 31,511 અસરગ્રસ્ત પરિવારોને રૂ. 5,64,13,800ની કેશડોલ સહાય સીધી ચૂકવવામાં આવી છે. બાકી રહેલા પાત્ર લાભાર્થીઓને પણ સર્વે અને ચકાસણી પૂર્ણ થતાં રાજ્ય સરકારના પ્રવર્તમાન ધોરણો મુજબ સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

પૂરથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 121 સર્વે ટીમો દ્વારા ઘરવખરીને થયેલા નુકસાન, મકાન સહાય તથા પશુમૃત્યુ સહાય માટેનું સર્વેક્ષણ સતત ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને વહેલી તકે સહાય ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂરના કારણે વાહનો અને મિલકતોને થયેલા નુકસાનના વીમા દાવાઓનો ઝડપી નિકાલ થાય તે માટે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વિવિધ વીમા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ક્લેમ પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા તેમજ અસરગ્રસ્તોને વળતરની રકમ મેળવવામાં અનાવશ્યક વિલંબ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

પૂરનું પાણી ઓસર્યા બાદ સંભવિત રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં 357 સર્વેલન્સ ટીમોના 1,796 સભ્યો દ્વારા ડિસીઝ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3,24,886 લોકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જેમાં તાવના 379, ઝાડાના 111 તથા ILI (ઇન્ફ્લૂએન્ઝા જેવા લક્ષણો)ના 1,661 કેસ નોંધાયા છે. ઉપરાંત 1,27,582 ક્લોરિન ટેબ્લેટ, 5,144 ORS પેકેટ અને 1,01,904 ડોક્સીસાયક્લિન કેપ્સ્યુલનું વિતરણ કરવામાં આવ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુલભ રહે તે માટે 21 RBSK ટીમો અને 11 મોબાઇલ હેલ્થ યુનિટ (MHU) સહિત કુલ 32 આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 322 મેડિકલ કેમ્પો યોજવામાં આવ્યા છે, જેમાં 4,741 દર્દીઓને OPD સારવારઆપવામાં આવી છે.

આ ઉપરાંત નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં જાહેર સ્થળો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ અને સ્વચ્છતા અભિયાન પણ સતત ચાલી રહ્યું છે, જેથી જનજીવન ઝડપથી સામાન્ય બની શકે અને રોગચાળો ફેલાવાનો ભય ઓછો થાય.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બાકી રહેલી અરજીઓનું વેરિફિકેશન અને મંજૂરીની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે. સર્વે પૂર્ણ થતાં જ તમામ પાત્ર લાભાર્થીઓને રાજ્ય સરકારના ધોરણો મુજબ સહાયની રકમ સમયસર ચૂકવવામાં આવશે. અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી અને પારદર્શક રીતે સહાય પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!