વરસાદી સંકટ વચ્ચે અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્રની પ્રશંસનીય કામગીરી, પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાતોરાત 8 સહિત કુલ 27 સફળ પ્રસુતિ અને સતત આરોગ્ય સેવાઓ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં સતત ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રાખી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય ટીમો દિવસ-રાત મેદાનમાં રહીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સતત કાર્યરત છે.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા છતાં આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારની સેવા ખોરવાય નહીં તેની ખાસ કાળજી રાખી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત રોગચાળો અટકાવવા, લોકોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવા અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે વિવિધ તાલુકાઓની મોબાઇલ હેલ્થ ટીમોને તાત્કાલિક અસરથી કાર્યરત કરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત કાસીન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ટીમ દ્વારા પૂરથી પ્રભાવિત વિસ્તારો તેમજ મોટા છાપરા ગામમાં રૂબરૂ પહોંચીને આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. સાથે જ સ્થાનિક નાગરિકોને ચોમાસામાં પાણીજન્ય અને ચેપી રોગોથી બચવા માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
વિરમગામ તાલુકામાં પણ આરોગ્ય વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખી છે. તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમોએ વિવિધ ગામોની મુલાકાત લઈને દર્દીઓની તપાસ કરી, જરૂરી દવાઓ પૂરી પાડી અને સંભવિત આરોગ્ય જોખમોને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં અમલમાં મૂક્યા હતા.
બાવળા તાલુકાના શિયાળ PHC અને ધરજી આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમોએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે. ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી, ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ટીબીના દર્દીઓ, વૃદ્ધો, બાળકો અને સગર્ભા માતાઓની ગૃહ મુલાકાત લઈને તેમની આરોગ્ય સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ દવાઓ અને તબીબી સલાહ પણ આપવામાં આવી હતી.
વરસાદી આફત વચ્ચે માતા અને બાળ આરોગ્ય સેવાઓ પણ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવી હતી. વિકટ પરિસ્થિતિ હોવા છતાં જિલ્લા આરોગ્ય તંત્રે વિવિધ તાલુકાઓમાં કુલ 27 સફળ પ્રસુતિ કરાવી હતી, જેમાં માત્ર એક જ રાત્રિ દરમિયાન 8 પ્રસુતિ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ સતત ફરજ બજાવી માતા અને નવજાત શિશુના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાણંદ, વિરમગામ, બાવળા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં શેલ્ટર હોમમાં આશ્રય લેનારા નાગરિકોને પણ નિયમિત આરોગ્ય તપાસ, દવાઓ, ORS, પીવાના શુદ્ધ પાણી અંગે માર્ગદર્શન અને અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સગર્ભા મહિલાઓ, નવજાત શિશુઓ, વડીલો અને ગંભીર દર્દીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી કોઈપણ તબીબી આપાતકાલીન પરિસ્થિતિનો સમયસર સામનો કરી શકાય.
વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય અને ચેપી રોગોનું જોખમ વધતું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન, સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ, પીવાના પાણીની ગુણવત્તા પર દેખરેખ તેમજ જરૂરી સ્થળોએ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. મોબાઇલ મેડિકલ ટીમો દ્વારા ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહેશે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ પાણી જ પીવું, સ્વચ્છતા જાળવવી, પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવી તેમજ તાવ, ઝાડા, ઊલટી અથવા અન્ય કોઈ આરોગ્ય સમસ્યા જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો. જિલ્લા આરોગ્ય તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી વરસાદી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી દરેક નાગરિકના આરોગ્ય અને સુરક્ષાનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.






