નવસારી: પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેયર, ધારાસભ્ય અને કમિશનરની સઘન ફિલ્ડ વિઝિટ; રાહત કામગીરીને અપાયો વેગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પૂર બાદ મેદાને ઉતર્યા મેયર, ધારાસભ્ય અને કમિશનર; નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ફિલ્ડ વિઝિટ, કેશ ડોલ અને રાહત કામગીરીને અપાયો વેગ
નવસારી શહેરમાં તાજેતરમાં પડેલા અતિવૃષ્ટિ અને પૂર બાદ અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી રાહત અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીની સમીક્ષા અને લોકોની વાસ્તવિક સમસ્યાઓનો તાગ મેળવવા શહેરના પ્રથમ નાગરિક મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાનિક ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, તમામ વોર્ડના કોર્પોરેટરો અને અધિકારીઓએ શહેરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની સઘન ફિલ્ડ વિઝિટ કરી હતી.
સવારે ૮:૩૦ વાગ્યે મેયર અશોકભાઈ ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો શાંતાદેવી રોડ, ઠક્કરબાપાવાસ અને મિથિલા નગરીની મુલાકાત લઈને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પૂરથી થયેલા નુકસાન અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી અધિકારીઓને તાત્કાલિક સફાઈ શરૂ કરવા, રોગચાળો અટકાવવા દવાનો સઘન છંટકાવ કરવા તેમજ નુકસાનનો ઝડપી સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે ‘કેશ ડોલ’ સહાય પહોંચાડવાના કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગ્યે રાહત કામગીરીનું નિરીક્ષણ આગળ વધારતાં મેયર, ધારાસભ્ય, કમિશનર અને કોર્પોરેટરોએ કાછિયાવાડી, રામલા મોરા, આહીર તળાવ અને ચોવીશી સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં પણ અસરગ્રસ્ત નાગરિકો સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. અધિકારીઓને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાનને વેગ આપવા, આરોગ્યલક્ષી દવાઓનો છંટકાવ અને ફોગિંગની કામગીરી ઝડપી પૂર્ણ કરવા તેમજ નુકસાનના સર્વેમાં કોઈ વિલંબ ન થાય તેની ખાસ તાકીદ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા પૂર બાદ ઊભી થતી આરોગ્ય અને સ્વચ્છતાની સમસ્યાઓને ગંભીરતાથી લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને આરોગ્ય શાખાને સંકલિત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ-કીચડ દૂર કરવા, ગંદકીની સફાઈ, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા માટે દવાનો છંટકાવ અને ફોગિંગની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે જ દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારના નિયમો મુજબ કેશ ડોલ સહાય ઝડપથી અને પારદર્શક રીતે પહોંચે તે માટે પણ વહીવટી તંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પ્રસંગે મેયર અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં સમગ્ર મહાનગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલી પાંખનવસારીના દરેક નાગરિકની પડખે મજબૂતીથી ઊભી છે. પૂરગ્રસ્ત પરિવારોને વહેલી તકે રાહત મળી રહે અને શહેરનું જનજીવન ઝડપથીપૂર્વવત થાય તે માટે તમામ વિભાગો સતત કાર્યરત છે.”
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, “શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ સફાઈ, દવાનો છંટકાવ, ફોગિંગ અને રાહત સહાયની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાનું તંત્ર દિવસ–રાત સતત કાર્યરત રહેશે.”
મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે, સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી દરમિયાન તંત્રને સંપૂર્ણ સહયોગ આપે, સ્વચ્છતા જાળવે અને જરૂરિયાત મુજબ તંત્રનો સંપર્ક કરીને સરકારી સહાયનો લાભ લે.





