GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડના લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સમસ્ત આદિવાસી સમાજ સંઘના યુવાનોનું સ્વચ્છતા અભિયાન…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરતાં નીલમભાઈ ખોબાની ટીમ સાથે જોડાવું અમારું અહોભાગ્ય : યુવા પ્રમુખ ડૉ. નિરવ પટેલ

વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની વિનાશક પરિસ્થિતિ બાદ અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને છીપવાડ વિસ્તારમાં 10થી 12 ફૂટ સુધી પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું. સડેલા અનાજ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી સંચાલક નીલમભાઈ પટેલ (ખોબા) અને તેમની ટીમના રાજ, ચિરાગ, અજય તેમજ એનએસએસના યુવાનો દ્વારા સતત શ્રમદાન કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાથી પ્રેરાઈ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડૉ. નિરવ પટેલ પોતાના સાથીદારો મુકેશભાઈ, તિલકભાઈ, ભાવેશ, હર્ષદભાઈ, મનીષભાઈ, પથીકભાઈ સહિતના યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

સ્વયંસેવકોએ અનેક સ્થળોએ સડી ગયેલા અનાજનો નિકાલ કર્યો, ગંદકી દૂર કરી અને અસરગ્રસ્ત પરિવારોને હિંમત આપી. સ્થાનિક લોકોની વ્યથા નિહાળી સામાજિક આગેવાનોએ સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવી મુશ્કેલ ઘડીમાં સમાજની સેવા કરવી એ સાચું માનવધર્મ છે.

આ પ્રસંગે ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાર્થક કરતી નીલમભાઈ ખોબા અને તેમની સમગ્ર ટીમ સાથે સેવા કરવાનો અવસર મળવો અમારા માટે ગૌરવ અને અહોભાગ્યની વાત છે. આવી સેવાભાવી સંસ્થાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.

સામાજિક આગેવાનોએ નગરપાલિકાને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સંપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ કરવા, રોગચાળો ન ફેલાય તે માટે અસરકારક પગલાં લેવા તેમજ પૂરથી નુકસાન પામેલા વેપારીઓ અને પરિવારોને સરકાર દ્વારા યોગ્ય વળતર ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ સ્વચ્છતા અભિયાન દ્વારા લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, એનએસએસના યુવાનો અને સમસ્ત આદિવાસી સમાજના કાર્યકરોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને સ્થાનિક લોકોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!