GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ભાજપમાં આંતરિક અવગણનાથી કાર્યકરોમાં નારાજગી? ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ટૂંકી મુલાકાત બાદ ચર્ચા તેજ

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ – ખેરગામ

 

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે ખેરગામ થઈ વલસાડ તરફ જતાં માર્ગમાં ખેરગામ ખાતે અંદાજે બે મિનિટ માટે રોકાયા હતા. આ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.ખેરગામ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠકોમાંથી એક બેઠકના સભ્ય મોહિનીબેન કાર્તિકભાઈ પટેલના પરિવારને કાર્યક્રમ અંગે જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેરગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ તથા ભાજપ એસટી સેલના પ્રમુખ કાર્તિકભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મારી દુકાન પાસે આવવાના હતા, પરંતુ તેની મને કોઈ જાણ કરવામાં આવી નહોતી. તે સમયે રાત્રે આશરે 11:30 વાગ્યે હું ભાજપના કાર્યકરો સાથે પૂરગ્રસ્તોને રાહત કીટ વિતરણમાં વ્યસ્ત હતો. કીટ વિતરણ પૂર્ણ થયા બાદ અમે દુકાને પરત આવ્યા, છતાં કોઈ કાર્યકરે હર્ષ સંઘવીના આગમનની જાણ કરી નહોતી.” કાર્તિકભાઈએ વધુમાં જણાવ્યું કે, “ખેરગામમાં જ્યારે પણ  ધારાસભ્ય, કેબિનેટ મંત્રી કે અન્ય અગ્રણીઓ આવે છે ત્યારે કાર્યક્રમની શરૂઆત સામાન્ય રીતે મારી દુકાન પાસેથી જ થતી હોય છે. છતાં આ વખતે મને જાણ ન કરવી એ મારા માટે અપમાનજનક છે.”તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક કાર્યકરો સાથે વારંવાર આવી અવગણના થતી રહે છે. “હું ભાજપનો સક્રિય કાર્યકર છું અને વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરું છું. છતાં મારી સાથે આવું વર્તન થવું દુઃખદ છે,” એમ તેમણે જણાવ્યું.આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે કાર્યકરોમાં ઉભા થયેલા મનદુઃખની અસર આગામી સરપંચોની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

Back to top button
error: Content is protected !!