GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરાયું.

ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતાને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ ઍલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે આગામી 1 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બુધવારે(29 જુલાઈ) ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રૂપ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે સૂચના આપી છે.

ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતાં નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!