Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાઈ

તા.૨૯/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આજીવિકા મિશન, આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશનની કામગીરીની સમીક્ષા કરી
લોકમેળામાં સ્વસહાય જૂથોને ૫૦ સ્ટોલ ફાળવાશે : સખી મંડળોની વસ્તુઓનું એમેઝોન, ફ્લિપકાર્ટ પર વેચાણનું આયોજન : ૦૨ ઓગસ્ટથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાનમાં જનપ્રતિનિધિઓ જોડાશે
મહિલાઓને સ્થાનિક વિસ્તારના પ્રકાર અને ઉપલબ્ધ રોજગારીની તકો મુજબ તાલીમ આપવા મંત્રીશ્રીનું સૂચન: વીબી-જી-રામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીએ ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’, ‘વીબી-જી-રામજી’ (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી) અને ‘સ્વચ્છ ભારત મિશન’ની કામગીરીની સમીક્ષા કરી હતી.
આજરોજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ સ્વસહાય જૂથની રચના, ગ્રામ સંગઠન રચના, રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રજિસ્ટર્ડ સહકારી મંડળીઓ, કેશ ક્રેડિટ લોન અને ઈ-કોમર્સ જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
ડિસ્ટ્રિક્ટ લાઇવલીહૂડ મેનેજર શ્રી વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં સ્વસહાય જૂથો માટે ૫૦ સ્ટોલ ફાળવવામાં આવશે. જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ ૧૧ ‘મંગલમ ગ્રામ હાટ’ શરૂ કરવાનું આયોજન છે. આગામી સમયમાં વધુ ૪૬ મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવવામાં આવશે. કૃષિ સખીઓને એક્સપોઝર વિઝિટ માટે લઈ જવા તેમજ સખી મંડળોની વસ્તુઓનું વેચાણ એમેઝોન, ફ્લિપકાર્ટ વેબસાઇટ પર વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મંત્રીશ્રીએ તમામ તાલુકામાં ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવાની સૂચના આપી. સાથેસાથે સખી મંડળની મહિલાઓ રોજગાર સરળતાથી મેળવી શકે, તેના માટે સ્થાનિક વિસ્તારના પ્રકાર તથા તે વિસ્તારમાં ઉપલબ્ધ રોજગારીની તકો મુજબ તાલીમ આપવા અને અધિકારીઓએ ફિલ્ડ મુલાકાત લેવા સૂચના આપી હતી. ઉપરાંત, લાભાર્થીઓને સમયસર આવાસ ફાળવવા તેમજ ‘વીબી-જી-રામજી’ યોજના હેઠળના પ્રગતિ હેઠળના કામો પૂર્ણ કરવા અને શ્રમિકો સુધી આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
વધુમાં, મંત્રીશ્રીએ વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સેગ્રીગેશન શેડ, સામુહિક કમ્પોસ્ટ પીટ, સામુહિક સોક પીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગોબર ધન કામગીરીની તાલુકાવાર સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, જનપ્રતિનિધિઓ નિયત ગામમાં જઈને આગામી તા. ૦૨ ઓગસ્ટથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જે અન્વયે મંત્રીશ્રીએ જાહેર સ્થળોએ સાફસફાઈ કામગીરી સુચારૂરૂપે કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક (ઇન્ચાર્જ) શ્રી પ્રિયાંક ગલચર, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મીનાક્ષીબેન કાચા, વીબી-જી-રામજી કો-ઓર્ડીનેટર શ્રી સંજય ગામી સહિત વિવિધ તાલુકામાંથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તાલુકા કો-ઓર્ડિનેટર, વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






