
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ વિદ્યાર્થી મારપીટ કેસ: આગોતરા જામીન નામંજૂર હોવાના દાવા વચ્ચે આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાનો વાલીનો આક્ષેપ – પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા વાલીએ સવાલ
અરવલ્લી જિલ્લાના પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના કેસમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીના વાલીનો આક્ષેપ છે કે કેસમાં ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રેસન પટેલ સામે ફરિયાદ નોંધાયા છતાં આજદિન સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. વાલીનો દાવો છે કે આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા હોવા છતાં તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
વાલીના જણાવ્યા મુજબ, ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. તેઓનું કહેવું છે કે આરોપીઓ નજર સામે હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે ન્યાય પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ ડગમગી રહ્યો છે. વાલીનો વધુ આક્ષેપ છે કે હાલ તેઓ પોતાના બાળકને ન્યાય અપાવવા માટે સતત કાયદાકીય પ્રક્રિયામાં ભટકી રહ્યા છે.આ મામલે રૂરલ પોલીસ સ્ટેશનના તપાસ સાથે સંકળાયેલા એક કર્મચારી સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કોર્ટે આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા છે, પરંતુ ધરપકડ માટે કોર્ટમાંથી આદેશ કરેલ નથી ધરપકડ માટે અલગથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરવી પડશે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની ધરપકડ માટે હવે ફરી કોર્ટમાં અરજી કરવામાં આવશે તેવું જાણવા મળેલ
વાલીનો સવાલ છે કે જ્યારે પોલીસ અન્ય રાજ્યોમાં જઈને આરોપીઓને ઝડપી લાવી શકે છે, ત્યારે આ કેસમાં આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કેમ થઈ રહી નથી..? વધુમાં, વાલીનું કહેવું છે કે કોર્ટમાં આખો દિવસ રાહ જોયા બાદ પણ તેમને જજમેન્ટની નકલ મળી નહોતી અને “ઓર્ડર હજુ અપલોડ થયો નથી” એવો જવાબ આપવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને વાલીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ આરોપીઓની ધરપકડ ક્યારે કરે છે અને તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.




