ખીમણા – દિયોદર – ભાભર SH 72 પર રૈયા પાસે ‘વિકાસ પંથ’ ફોરલેન કામગીરી થી વાહનચાલકોને મોટી રાહત
ખીમણા – દિયોદર – ભાભર SH 72 પર રૈયા પાસે ‘વિકાસ પંથ’ ફોરલેન કામગીરી થી વાહનચાલકોને મોટી રાહત..

પ્રતિનિધિ:દિયોદર:- અહેવાલ કલ્પેશ બારોટ
વાવ-થરાદ જિલ્લાના દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખીમાણા – દિયોદર – ભાભર સ્ટેટ હાઈવે (SH 72) ની સુધારાત્મક કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે. દિયોદર તાલુકાના રૈયા ગામ પાસે અગાઉ અકસ્માત ઝોન ગણાતા વિસ્તારમાં ‘વિકાસ પંથ’ યોજના હેઠળ રોડને ફોરલેન કરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
અકસ્માત ઝોનમાંથી મુક્તિ, વાહન વ્યવહાર બન્યો સુગમ
રૈયા પાસે અગાઉ માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ માર્ગને ફોરલેન બનાવવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નવો પહોળો રોડ તૈયાર થતાં વાહન વ્યવહાર અત્યંત સુગમ બન્યો છે અને વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
બનાસ ડેરીથી હાઈવે સુધી ૪ કિમીનો માર્ગ યુદ્ધના ધોરણે ફોરલેન
આ વિકાસકાર્યો અંતર્ગત બનાસ ડેરીથી દિયોદર-ભાભર હાઈવે સુધીના આશરે ૪ કિલોમીટરના અંતરને ફોરલેન કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થવાથી દૈનિક અવરજવર કરતા હળવા અને ભારે વાહનો માટે સમય અને ઈંધણ બંનેની બચત થશે.
સ્થાનિકો અને રાહદારીઓમાં ખુશીની લહેર
માર્ગ પહોળો થવાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને રોજીંદા વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિક તેમજ અકસ્માતના ભયમાંથી મુક્તિ મળી છે. માર્ગ અને મકાન વિભાગની આ પ્રજાલક્ષી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા હૃદયપૂર્વક આવકારવામાં આવી રહી છે.



