GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અતિભારે વરસાદની આગાહીને પગલે સાવચેતી રાખવા કેન્દ્ર સરકારની એડવાઇઝરી

Rajkot: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ રૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ (ICR-ER) દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, વાવાઝોડાં જેવી પરિસ્થિતિ અને તેના પરિણામે અચાનક પૂર (Flash Flood) આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એડવાઇઝરી અનુસાર ૩૧મી જુલાઈ અને ૧લી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ જયારે અન્ય કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે. તેમજ બીજી ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ બે દિવસ દરમ્યાન નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી આગાહીઓ પર સતત નજર રાખવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ ગંભીર બને તો સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

એડવાઇઝરીમાં લોકોને વૃક્ષોની નીચે આશરો ન લેવા, નદીઓ, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ન કરવા સૂચના આપવામાં આવી છે. વીજળી પડવાની શક્યતા હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન રહેવા અને સુરક્ષિત આશ્રયસ્થાનમાં રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રને પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તકેદારીના પગલાં લેવા તેમજ આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.

જેને અનુસંધાને ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજકોટ જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!