હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૭.૨૦૨૬
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે.બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું.હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.








