હાલોલમાં કુંવારીકાઓ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહભેર ગૌરીવ્રતની ઉજવણી,વિવિધ સમાજ દ્વારા સમૂહ ફરાળી ભોજન અને સ્પર્ધાઓનું સુંદર આયોજન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૭.૨૦૨૬
“ગોરમાનો વર કેસરિયો, નદીએ નાહવા જાય રે ગોરમા…” જેવાં પવિત્ર લોકગીતોના ગુંજારવ સાથે હાલોલ નગર સહિત સમગ્ર પંથકમાં કુંવારીકાઓનો પ્રિય પર્વ ‘ગૌરીવ્રત’ શ્રદ્ધા અને અતિ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. અષાઢ સુદ તેરસના પવિત્ર દિવસથી પ્રારંભ થયેલા આ પાંચ દિવસીય વ્રતને લઈને નગરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓ અને બાળાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.જવારા વાવી શિવ-પાર્વતીની આરાધના આ વ્રત અંતર્ગત કુંવારીકાઓએ અષાઢ સુદ પાંચમના રોજ વાંસની ટોપલીઓમાં સાત ધાની (ડાંગર, ઘઉં, તુવેર, જુવાર, ચોખા, તલ વગેરે) વાવીને ઉછેરેલા જવારાનું ગોરમા તરીકે પૂજન કર્યું હતું. બહેનોએ સમૂહમાં મંદિરે પહોંચી મનગમતો અને સંસ્કારી જીવનસાથી મેળવવાની કામના સાથે પૂજા-અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.વિવિધ સમાજો દ્વારા સમૂહ ફરાળી ભોજન અને મનોરંજન ગૌરીવ્રત (અલૂણાં વ્રત) નિમિત્તે નગરના વિવિધ હિન્દુ જ્ઞાતિ સમાજો દ્વારા વ્રત કરતી કન્યાઓ માટે સમૂહ ભોજનના વિશેષ આયોજનો કરાયા છે.શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ: મહિલા મંડળ દ્વારા લાયન્સ હોલ ખાતે વ્રતધારી બાળાઓ માટે પાંચેય દિવસ અલગ-અલગ વાનગીઓ સાથે સમૂહ ફરાળી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. બાળાઓનો ઉત્સાહ વધારવા રમત-ગમત, નાચ-ગાન અને વિવિધ સ્પર્ધાઓ યોજી વિજેતા તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. આ પ્રસંગે પોરવાડ સમાજની મહિલાઓએ પણ બાળાઓને અનુરૂપ પોશાક પહેરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.દર વર્ષની પરંપરા મુજબ શ્રી દશા ઝારોળા જ્ઞાતિ સમાજ તેમજ અન્ય જ્ઞાતિ સમાજની વાડીઓમાં પણ વ્રત કરતી કન્યાઓ માટે પાંચ દિવસીય સ્વાદિષ્ટ ફરાળી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉત્સવને કારણે સમગ્ર હાલોલ નગરમાં કુંવારીકાઓમાં અનેરો ઉલ્લાસ, આનંદ અને ધાર્મિક શ્રદ્ધાનો માહોલ છવાયો છે.










