Rajkot: સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

તા.૩૧/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
દૈનિક જીવનમાં અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકોનું અનેરું મહત્વ: વૈશાલીબહેન જીવાણી
Rajkot: આજ તા.૩૧ જુલાઈના રોજ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, નિયામકશ્રી ગ્રંથાલય ખાતું અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજકોટનાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં લેખકશ્રી વૈશાલીબહેન જીવાણીએ યુવાનો સાથે સંવાદ કરી, પ્રશ્નોતરી દ્વારા યુવાનોના વિચારોને નવી દિશા આપી હતી.
શ્રી વૈશાલીબહેને યુવાનોને વાંચનનું મહત્વ સમજાવી, દૈનિક જીવનમાં અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે તેમણે સાહિત્યિક ઉદાહરણો આપી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) દ્વારા મળતી માહિતી અને પુસ્તક વાંચન દ્વારા મળતા જ્ઞાનનો તફાવત સમજાવ્યો હતો.
યુવાનોને કારકિર્દી ઘડતરમાં પ્રેરણા મળે, પોતાનું લક્ષ્ય નક્કી કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે, ટેક્નોલોજીના ઉપયોગની સાથે સાથે પુસ્તકોનું વિસ્તૃત જ્ઞાન મેળવવા યુવાનો લાઇબ્રેરીનો ઉપયોગ કરે તે માટે સરકાર દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી એ.એ.સુમરાએ યુવાનોને સરકારી જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લેવા તેમજ અભ્યાસક્રમ ઉપરાંત ઈતર પુસ્તકોનું વાંચન કરવા અપીલ કરી, કારકિર્દી ઘડતરમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યું હતું.
યુવા સંવાદ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.





